હાલારમાં તોફાની પવન અને ગાજવીજ સાથે અડધાથી બે ઇંચ
ભાણવડ ૪૯, ધ્રોલ રર અને લાલપુર ર૮ મીમી વરસાદ: જામનગર જિલ્લાના ૩૩ પીએચસી સેન્ટરો પૈકી ર૮ સ્થળોએ હાજરી પૂરાવતા મેઘરાજા
જામનગર શહેરમાં રવિવારે મોડી સાંજે વાઝડી સાથે વરસાદના જોરદાર ઝાપટાથી માર્ગો પર પાણી વહી નીકળ્યા: અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થતાં દેકારો
ગઇકાલે રવિવારે સમગ્ર હાલારના મહત્તમ સ્થળોએ મેઘરાજાની કૃપા વરસી હતી, બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, ભાણવડમાં સાંજના ૪ થી ૧૦ દરમ્યાન બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા, સાથોસાથ લાલપુર, ધ્રોલમાં એક ઇંચ, જોડિયા અડધો ઇંચ, જામજોૂધપુર અને જામનગરમાં ઝાપટાપી વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોટી ભલસાણ, બાલંભા, જાલીયાદેવાણી, અલીયાબાડા સહિતના વિસ્તારોમાં એક ઇંચ, હરિપર, જામવંથલી, લૈયારા, વસઇ, લાખાબાવળ, મોટી બાણુંગાર, ફલ્લામાં અડધો ઇંચ જ્યારે અન્ય ગામડાઓમાં ઝાપટાએ હાજરી પૂરાવી હતી.
જામનગર જિલ્લામાં રવિવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. મોડી સાંજથી કેટલાક તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જિલ્લા ક્ધટ્રોલ રૂમના આંકડા મુજબ ૨૦ સપ્ટેમ્બરના સવારે ૬ થી ૨૧ સપ્ટેમ્બરના સવારે ૬ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૧૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન લાલપુરમાં સૌથી વધુ ૨૮ મી.મી., જ્યારે ધ્રોલમાં ૨૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. જોડિયામાં ૧૨ મી.મી., જામનગરમાં ૪ મી.મી., કાલાવડમાં ૪ મી.મી. અને જામજોધપુરમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
દરમિયાન જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદી ઝાપટાં નોંધાયા હતા. પ્રાપ્ત આંકડા મુજબ મોટી ભલસાણમાં સૌથી વધુ ૩૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે બાલંભામાં ૨૫, જાલિયાદેવાણીમાં ૨૧, અલીયાબાડામાં ૨૦, હરિપર અને જામવંથલીમાં ૧૯-૧૯, લૈયારામાં ૧૮, વસઈમાં ૧૪, લાખાબાવળ, મોટી બાણુંગાર અને ફલ્લામાં ૧૨-૧૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત ભલસાણ બેરાજા, દરેડ, હડિયાણા, નિકાવા, ખેરેડી અને મોટાપાંચ દેવડામાં ૧૦-૧૦ મી.મી., પીપરટોડામાં ૮, પરડવામાં અને ભણગોરમાં ૭-૭, પડાણામાં ૫, સમાણામાં ૪, જામવાડી અને વાંસજાળિયામાં ૩-૩, ઘુનડામાં અને મોડપરમાં ૨-૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે પીઠડ, લાલપુર, મોટા વડાળા, શેઠ વડાળા, ધ્રાફા અને નવાગામમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ નોંધાયો ન હતો.
વરસાદના કારણે દિવસ દરમિયાન ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને ધ્રોલ અને લાલપુર પંથકમાં નોંધપાત્ર વરસાદ થતાં સ્થાનિક વિસ્તારોમાં પાણીના પ્રવાહ જોવા મળ્યા હતા.
જામનગર શહેરની વાત કરવામાં આવે તો રવિવારે આખો દિવસ ઉકળાટભર્યો રહ્યો હતો અને સૂર્યદેવતાનો પ્રકોપ જોવા મળ્યો હતો. પરંતુ સાંજે સાડા સાત વાગ્યા બાદ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં એકાએક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા હતા. થોડી ક્ષણો માટે ઠંડો પવન ફૂંકાયા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને જોરદાર વરસાદનું ઝાપટું વરસી ગયું હતું, જેના કારણે રસ્તાઓ પર દોડધામ મચી હતી.
રવિવારની રજાના દિવસે લોકો ઉકળાટભર્યા વાતાવરણમાં પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, પરંતુ અચાનક આવેલા વરસાદના કારણે થોડો સમય લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, થોડીવાર બાદ વરસાદ રોકાઈ જતાં આકાશ ફરી ખુલ્લું થયું હતું.
અચાનક આવેલા વરસાદી ઝાપટાંના કારણે ગણપતિ મંડળોના સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. પવનની તીવ્રતા વધતાં મંડપ અંગે ચિંતા ઊભી થઈ હતી, પરંતુ વરસાદ રોકાઈ જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. આજે પણ આકાશમાં વાદળોની આવનજાવન જોવા મળી રહી છે અને વરસાદી ઝાપટાં પડવાની શક્યતા યથાવત્ જોવા મળી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની વ્યાપક ઘટ વચ્ચે ગઈકાલે રવિવારે ભાણવડ પંથકમાં નોંધપાત્ર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે અન્ય વિસ્તારોમાં હળવા તેમજ ભારે ઝાપટાનો દૌર રહ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની ઋતુની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. તે વચ્ચે ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. જિલ્લાના ભાણવડ તાલુકામાં ગઈકાલે રવિવારે બપોર બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો અને સાંજે આશરે પાંચેક વાગ્યાથી ધોધમાર વરસાદી ઝાપટા અવિરત રીતે વરસ્યા હતા. જે ગત રાત્રિ સુધીમાં ૪૯ મી.મી. (બે ઈંચ) પાણી વરસી જવા પામ્યું હતું. ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. ભાણવડ પંથકમાં ગઈકાલના આ સચરાચર વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે અને ખેતરોમાં ઉભા પાકને ફાયદો થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે વીજળીના ગડગડાટ વચ્ચે અવિરત રીતે ભારે ઝાપટા વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વીજળીના કડાકા-ભડાકા અને પવન વચ્ચે ભારે વરસાદ વરસવાની આશા ઠગારી નીવડી હતી. વરસાદના પગલે ગતરાત્રે શહેરમાં લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા નગરજનો હાલાકીમાં મુકાઈ ગયા હતા.
ગઈકાલે રાત્રે દ્વારકા તાલુકામાં ૪ મી.મી. તેમજ કલ્યાણપુર તાલુકામાં પણ બે મી.મી. વરસાદ વરસી જવા પામ્યો છે. આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ભાણવડ તાલુકામાં આઠ ઈંચ (૧૯૨ મી.મી.), ખંભાળિયા તાલુકામાં છ ઈંચ (૧૫૨ મી.મી.), દ્વારકા તાલુકામાં સાડા પાંચ ઈંચ (૧૩૪ મી.મી.) અને કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ (૭૬ મી.મી. સહિત જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા પાંચ ઈંચ (૧૩૮ મી.મી.) થવા પામ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી વાતાવરણ ચોખ્ખું બની રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા.