જામનગર: આલેલે..જામ્યુકોને પુન: ખાદીભંડારથી દરબારગઢ સુધી રેંકડી, પથારા દેખાયા..!
જામનગર: આલેલે..જામ્યુકોને પુન: ખાદીભંડારથી દરબારગઢ સુધી રેંકડી, પથારા દેખાયા..!
September 25, 2026 03:34 PM
જામનગર: આલેલે..જામ્યુકોને પુન: ખાદીભંડારથી દરબારગઢ સુધી રેંકડી, પથારા દેખાયા..!
મનપાની એસ્ટેટ શાખાએ ટ્રાફીકમાં નડતરરૂપ રેંકડીઓ અને પથારા કબ્જે કર્યા
ધંધાર્થીઓમાં ભારે અફડાતફડી, સમસ્યાના કાયમી ઉકેલમાં તંત્રને રસ નથી
જામનગર મહાનગરપાલીકાને આજે પુન: ખાદીભંડારથી દરબારગઢ સુધી રેંકડી અને પથારાના દબાણ દેખાતા ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. મનપાની એસ્ટેટ શાખાએ ટ્રાફીકમાં નડતરરૂપ રેંકડી અને પથારા કબ્જે કર્યા હતાં. આથી ધંધાર્થીઓમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. પરંતુ આ સમસ્યાના કાયમી ઉકેલમાં તંત્રને રસ ન હોય કેન્સરની જેમ વકરતી જાય છે. જામનગરમાં ખાદીભંડારથી દરબારગઢ સર્કલ સુધીના માર્ગ પર રેંકડી,પથારા તથા આડેધડ વાહનના પાર્કીંગથી ટ્રાફીકની સમસ્યા માથાના દુ:ખાવાપ બની છે. બીજી બાજુ ગંદકી અને કચરાની સમસ્યાએ પણ માઝા મૂકી છે. મહાપાલીકા દ્વારા શહેરને કચરામુકત કરવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાદીભંડારથી દરબારગઢ સર્કલ સુધીના માર્ગ પર રેંકડી, પથારાની સમસ્યા નવી નથી. વર્ષોથી આ સમસ્યા હોય કેન્સર સમાન બની છે. નવાઇની વાત તો એ છે કે, આ સમસ્યાથી મનપાના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ વાકેફ છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઇ કાયમી નિરાકરણ કે નકકર ઉકેલ આવ્યો નથી. મનપા દ્વારા છાશવારે આ માર્ગ પરથી રેંકડી, પથારા ઉપાડી સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે ગુરૂવારે મનપાની એસ્ટેટ શાખાને ખાદીભંડારથી દરબારગઢ સુધી વધુ એક વખત રેંકડીઓ અને પથારાથી સમસ્યા સર્જાતી હોવાનું દેખાયું હતું. આથી કાર્યવાહી હાથ ધરી માર્ગ અને ટ્રાફીકમાં નડતરરૂપ રેંકડી અને પથારા કબ્જે કરતા ધંધાર્થીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર લાવી શકતું નથી કે રસ નથી તે આજની તારીખે પણ વણઉકેલ કોયડો અને તપાસનો વિષય છે.