મહિલાઓના હસ્તનિર્મિત ઉત્પાદનોને બજાર મળે તે હેતુથી જામનગર જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’નો પ્રારંભ
જિલ્લા વિકાસ અધિકારી નિશાએ ‘ગ્રામહાટ’ની મુલાકાત લઈ બહેનોનો ઉત્સાહ વધાર્યો
જામનગર તા.૧૯ ઓગસ્ટ, સખી મંડળની બહેનો દ્વારા હસ્તનિર્મિત અને સ્થાનિક ચીજવસ્તુઓને યોગ્ય બજાર અને વેચાણ માટેનું મંચ મળી રહે તેવા હેતુથી જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા પંચાયત ખાતે ‘ગ્રામહાટ’ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી નિશાએ ગ્રામહાટની મુલાકાત લઈ બહેનો સાથે સંવાદ કરી તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ, વેચાણ વ્યવસ્થા તેમજ સ્વ સહાય જૂથો અંગે માહિતી મેળવી હતી. તેમણે બહેનોને વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા, પેકેજિંગ અને બ્રાન્ડિંગ પર ધ્યાન આપવા તેમજ બદલાતી બજારની જરૂરિયાતોને અનુરૂપ નવા ઉત્પાદનો વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પહેલ થકી બહેનોને તેમના ઉત્પાદનો માટે સ્થાનિક સ્તરે જ બજાર ઉપલબ્ધ થશે તેમજ તેમની આવકમાં વધારો કરી આત્મનિર્ભર બનવાની તકો પ્રાપ્ત થશે.
ગ્રામહાટમાં બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓ, ઘર સુશોભનની વસ્તુઓ, પરંપરાગત કલા આધારિત ઉત્પાદનો, તેમજ સ્થાનિક સ્તરે તૈયાર થતી અન્ય વસ્તુઓને વેચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. અહીં બહેનો દ્વારા ક્રોચેટ માંથી બનાવેલ વસ્તુઓ, બાંધણી, હેન્ડમેડ જ્વેલરી, સ્કિન કેર તથા ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેના થકી ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત અને સ્થાનિક સ્તરે તૈયાર થયેલા ઉત્પાદનો એક જ સ્થળેથી ખરીદવાની સુવિધા મળશે.
ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતા સ્થાનિક ઉત્પાદનોને વધુ ઓળખ અને બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામહાટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, સ્વ સહાય જૂથોની બહેનો તેમજ લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.