હેપ્પી બર્થ ડે, ઐતિહાસિક નવાનગરથી આધુનિક જામનગરની સફર
પ્રાચીન ઇમારતોના નવનિર્માણની સાથે ફલાઇઓવરની સુવિધાથી પ્રાચિન કલા-વારસાના જતન અને વિકાસનો સમન્વય
ખેતીમાં રચાયા ઇતિહાસ, ઉધોગમાં ઐતિહાસીક હરણફાળ, આયુર્વેદ ક્ષેત્રમાં જામનગરનું નામ વિશ્ર્વ કક્ષાએ, રાજકિય ક્ષેત્રે જામનગરનું કદ વઘ્યું: બાલા હનુમાનની અખંડ રામધુન અને બ્રાસ, બાંધણીની વિશ્ર્વમાં બોલબાલા, ક્રિકેટના કાશીએ આપ્યા અનેક ખ્યાતનામ ક્રિકેટરો, ભયાનક ભુકંપ, વિનાશક વાવાઝોડા, સ્વાઇન ફલુ અને કોરોના જેવી કુદરતી આફતો તથા મહામારીઓ વચ્ચે અડીખમ રહયું જામનગર
આજે સુર્યોદય થયો... આપણું રૂડું રૂપાળુ, ઐતિહાસીક ધરોહર ધરાવતું વિકાસની હરણફાળ ભરતું... સર્વક્ષેત્રીય વિકાસ કરતું, વિશ્ર્વના નકશા સુધી પહોંચેલું જાજરમાન જામનગરનો ૪૮૭માં વર્ષમાં પ્રવેશ થયો છે, ઐતિહાસિક નવાનગરથી આધુનિક જામનગરની સફર એટલે કે ઇતિહાસ ઘણો રસપ્રદ છે, આટલું જ નહીં શહેરમાં પ્રાચીન ઇમારતોના જતન સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાયઓવર બ્રીજની સુવિધાથી પ્રાચીન કલા-વારસાના જતન અને વિકાસનો સમન્વય જોવા મળ્યો છે.ખેતીની વાત હોય, ઉધોગની કહાની હોય, તબીબી ક્ષેત્ર હોય, રાજકારણ હોય, કળાનું માઘ્યમ હોય કે પછી રમત ગમતનું ક્ષેત્ર હોય આ તમામ બાબતોમાં વિતેલા વર્ષોમાં જામનગરે ઉડીને આંખે વળગે એવા નવા આયામ રચ્યા છે તો કલા, સાહિત્ય અને સંગીતના ક્ષેત્રમાં પણ જામનગરનું નામ દેશ કક્ષાએ ગુંજયું છે, જુજ રજવાડાઓ પૈકી આ એક એવું નગર છે કે જેની પાસે જામશ્રી શત્રુશલ્યસિંહજી મહારાજનાં રૂપમાં હયાત રાજવી પણ છે, કોઇ ક્ષેત્ર એવું નથી કે જેમાં જામનગરે વિકાસ ન કર્યો હોય, એટલા માટે જ આજે અનેક બાબતોને લઇને માત્ર દેશ નહીં વિશ્ર્વકક્ષાએ જામનગરનું નામ રોશન છે.
આજે શ્રાવણ સુદ સાતમના આપણાં વ્હાલા અને જોશીલા જામનગરનો સ્થાપના દિન છે ત્યારે સુમેળ અને ભાઇચારાથી રહેવા માટે જાણીતા આ નગર માટે સૌ પ્રાર્થના-દુઆ કરીએ કે આવનારા વર્ષોમાં પણ જામનગરનો સર્વાંગી વિકાસ થાય અને તેની નોંધ માત્ર ગુજરાત નહીં, માત્ર દેશ નહીં પરંતુ વિશ્ર્વ કક્ષાએ લેવામાં આવે.
શૂરવીરોની ધરતી ગણાંતા જામનગરનાં જાજરમાન ઇતિહાસના ૪૮૭ના વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે સુવર્ણ ઇતિહાસમાં કંડારાયેલો રાજાશાહી શાસનથી લઇ આજના લોકશાહી યુગ સુધીના સમયગાળામાં જામનગરે સર્વાંગી વિકાસ કર્યો છે, આજથી ૪૮૬ વર્ષ પહેલા જામસાહેબ દ્વારા નગરની સ્થાપના કરવામાં આવી હતી, દરબારગઢમાં સ્થાપના સંદર્ભે ખાંભી ખોડવામાં આવી હતી, અને રાજવી પરિવાર દ્વારા શહેરમાં અલગ અલગ વર્ગના લોકો માટે રહેવાની તેમજ ધંધા, વ્યવસાય માટેની સુંદર રચના કરવામાં આવી હતી.
રાજવી પરિવાર દ્વારા મિત્રતા નિભાવવામાં તેમજ શહેરમાં પડેલા અકાળ દુષ્કાળ વેળાએ શહેરીજનોને રોજી રોટી મળી રહે તે માટે લાખોટો કોઠો તેમજ રણમલ તળાવની રચના કરવાની સાથો સાથ દુશ્મનો ઉપર ચાંપતી નજર રાખવા માટે ભુજીયા કોઠાનું પણ નિર્માણ કરવામાં આવ્યુ હતું. જેનું જામનગરની ઐતિહાસીક ધરા પર નવ નિર્માણ કરવામાં આવ્યું છે.
જામનગરમાં રાજશાહી શાસનથી ખ્યાતિ પામેલો બાંધણી ઉધોગ, કંકુ, કાજલ, સુરમો સહિતની ચિજવસ્તુઓ આજે પણ દેશ અને વિદેશોમાં ખુબ જ લોકપ્રિય છે, તો બ્રાસપાર્ટ ઉધોગમાં વિકાસની હરણફાળથી જામનગર વિશ્ર્વમાં બ્રાસસીટી તરીકે ઓળખાય છે. રાજવી પરિવારના જામ રણજીતસિંહજી તેમજ જામ દુલીપસિંહજીએ ક્રિકેટ ક્ષેત્રમાં દેશ વિદેશમાં જામનગરનું નામ રોશન કર્યા બાદ અનેક ક્રીકેટરોએ શહેરનું નામ વિશ્ર્વભરમાં રોશન કર્યું છે.
જામનગરની ધરતી પર રાજાશાહી સમયથી નાગેશ્ર્વર મહાદેવ, સિઘ્ધનાથ મહાદેવ સહિતના આશરે ૨૨૫ જેટલા મંદિરોના નિર્માણથીં આજે પણ જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. દ્વારકા નજીક ૧૨ જયોર્તિલીંગ પૈકીના નાગેશ્ર્વર મહાદેવ મંદિર, હર્ષદમાં હર્ષદ માતાજી, ઘુમલીમાં આશાપુરા માતાજી સહિતના મંદીરો ઐતિહાસીક ધરોહર છે.
દેશની આઝાદી બાદ જામનગર જીલ્લામાં ખેતી ક્ષેત્રે પણ ઉત્તરોતર વધારો થવા પામ્યો હતો, સાથો સાથ તબીબી, રમત ગમત, રાજકીય, ધાર્મિક, શિક્ષણ, બંદર, વેપાર અને કળા ઉધોગસહિત તમામ ક્ષેત્રોમાં સાધવામાં આવેલા વિકાસના પગલે જામનગરના આજના સ્થાપના દિવસે ઐતીહાસીક નવાનગરથી આધુનીક જામનગરની જાજરમાન સફરને વાગોડી આજના સમયમાં યુવાનો ભારે કુતુહુલ પૂર્વક શહેરના ઇતિહાસના સંભારણાને યાદ કરી રહ્યા છે. આટલું જ નહીં જામનગર હજુ પણ વિશ્ર્વભરમાં ખ્યાતિ મેળવે તે પછી આયુર્વેદ, રમતગમત, તબીબી, વેપાર-ઉધોગ કે અન્ય કોઇ પણ ક્ષેત્ર કેમ ન હોય તે માટેના પ્રયાસો શહેરીજનો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દીવસોમાં શહેર વધુને વધુ ઉતરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી આશા અને શુભકામના રાખીએ.
પ્રાકૃતિક ખેતી ક્ષેેત્રમાં ઉત્તરોતર પ્રગતિ:
જામનગરના રાજશાહી શાસનમાં જીલ્લામાં ખેતી ક્ષેત્રને ખુબ જ પ્રાધાન્ય આપવામાં આવતુ હતું અને દેશની આઝાદી પછી ઉત્તરોતર ખેતી ક્ષેત્રે લાવવામાં આવેલી આધુનીકતાના પગલે ખેતીમાં અવિરત પ્રગતી રહેવા પામી છે. પરંપરાગત પાકની સાથે નવા પાકનું ઉત્પાદન કરી દેશ નહીં વિદેશોમાં પણ ખ્યાતી મેળવી છે, આ ઉપરાંત જામનગરમાં વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતોએ ઉત્પાદન કરી દેશ વિદેશમાં જામનગરની ધરાની નામનામાં ચાર ચાંદ લગાડયા છે.
ઉધોગક્ષેત્રે વિશ્ર્વભરમાં અનેરી સિઘ્ધી મેળવી:
જામનગરમાં રાજશાહી શાસનવેળાએ કલા તેમજ અલગ અલગ પ્રકારના પ્રોડકશનોના વિકાસ માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અવિરત જારી રાખવામાં આવતા જામનગરમાં બ્રાસપાર્ટસ ઉધોગે કરેલી હરણફાળના પગલે દેશ તેમજ વિદેશોમાં જામનગરના બ્રાસપાર્ટ ઉધોગને બીરદાવવામાં આવી રહયું છે જેના પગલે જામનગરને બ્રાસ સીટીનું બિરુદ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત વિશ્ર્વ કક્ષાએ અગ્રતાનું સ્થાન ધરાવતી રિલાયન્સ, ન્યારા, દિગ્વીજય સિમેન્ટ ફેકટરી સહિતના મહાકાય એકમોના પગલે વિશ્ર્વભરમાં ઔધોગીક ક્ષેત્રે જામનગર અકલ્પનીય સિઘ્ધી મેળવી છે.
તબીબી ક્ષેત્રે પણ દેશ વિદેશોમાં ગુંજી ઉઠયું જામનગરનું નામ:
જામનગરના રાજવી પરિવાર દ્વારા એ સમયમાં આયુર્વેદીક ક્ષેત્રને ખુબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું, જામનગરમાં ગુજરાત આયુર્વેદીક યુનીવર્સીટીની સ્થાપના થવા પામી હતી અને આયુર્વેદીક કોલેજમાં દેશ વિદેશના વિધાર્થીઓ અભ્યાસ કરી રહયા છે, વિશ્ર્વકક્ષાના બની રહેલા ગ્લોબલ ટ્રેડીશનલ મેડીસીન સેન્ટર તેમાં ચાર ચાંદ લગાવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની સૌથી મોટી બીજી ગણાતી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલનું નવનિર્માણ ચાલી રહ્યું છે.
ક્રિકેટ ક્ષેત્રે વિશ્ર્વકક્ષાએ જામનગરના ખેલાડીઓ ઇતિહાસ રચ્યો:
જામનગરની ધરામાં જામ રાજવી પરિવારના જામ રણજીતસિંહ અને જામ દુલિપસિંહજીએ એ જમાનામાં વિશ્ર્વકક્ષાએ ક્રિકેટની રમતમાં સુવર્ણ ઇતિહાસ રચ્યો હતો, આ ઉપરાંત જામનગરના ક્રિકેટ આલમમાંથી વિનુમાંકડ, સલીમ દુરાની, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરોએ વિશ્ર્વકક્ષાએ જામનગરનું નામ ગુંજતુ અવિરત રાખ્યું છે.
રાજકિય ક્ષેત્રે જામનગરમાં ઉતરોતર વધારો:
છેવાડાના ગણાતા જામનગરની ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં જે તે સમયે કોઇ નોંધ લેવામાં ન આવતી પરંતુ વિતેલા વર્ષોમાં અને હાલના શહેરના ધારાસભ્યને રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળતા ગુજરાતમાં જામનગરનું રાજકીય કદ વઘ્યું છે તો બીજી બાજુ ઇતિહાસના પ્રથમ મહિલા સાંસદ પૂનમબેન માડમ સંસદભવનમાં સ્પીચ આપતા જોવા મળે છે, આમ સંસદ ભવનમાં પણ જામનગરનું નામ ગુંજે છે.
હાલાર બન્યું ધર્મનગરી : દ્વારકાધિશનો મુકામ:
છોટીકાશી ગણાતી હાલારની ધરતી પર દ્વારકાધીશનો મુકામ છે આ ઉપરાંત દ્વારકા શહેરની નજીક ૧૨ જયોર્તીલીંગ પૈકીના નાગેશ્ર્વર મહાદેવનું મંદિર દેશ અને વિદેશમાં જગ પ્રખ્યાત બન્યા છે, આ ઉપરાંત જામનગરના બાલાહનુમાન મંદિરે યોજવામાં આવતી અખંડ રામધુને વિશ્ર્વ કક્ષાએ ધર્મનગરી જામનગરનું નામ ગુંજતુ કર્યુ છે. હાલારના ઐતિહાસીક મંદિરો, મસ્જીદો, પારસીની અગીયારી, ચર્ચા, સહિતના ધાર્મિક સ્થાનો અનેક સુવર્ણ ઇતિહાસની યાદ કરાવે છે. જેના પગલે આજે વિશ્ર્વભરમાં હાલારનું નામ ધર્મનગરી તરીકે પણ જાણીતુ બન્યું છે.
ગુજરાતમાં એક માત્ર જામનગરમાં ભારતીય સેનાની આર્મી, નેવી અને એરોફોર્સની પાંખ:
જામનગરમાં રાજાશાહી શાસન વેળાએ જ દિર્ઘદ્રષ્ટા રાજવીઓ દ્વારા જામનગરના વિકાસની સાથો સાથ આર્મી, નેવી અને એરફોર્સની રચના કરવા માટે ખુબ જ સહયોગ આપ્યો હોવાના પગલે જામનગરમાં ત્રણેય સેનાની પાંખોએ જામનગરમાં સ્થાપના કરી છે, સંરક્ષણની દ્રષ્ટીએ રાજવી પરિવારોની દિર્ઘદ્રષ્ટીને આજે પણ જામનગરના લોકો બિરદાવી રહીયા છે. વર્તમાન સમયમાં પાડોશી દેશો સાથેની તંગદીલી દરમ્યાન થયેલા યુઘ્ધમાં પણ જામનગરની ત્રણેય સેનાએ અદભુત શકિત દર્શાવી હતી અને આજે પણ ત્રણેય સેનાઓમાં અતિ આધુનીકતાથી સજજ કરવામાં આવી છે.
વેપાર, કળા ક્ષેત્રે જામનગરે હિર બતાવ્યું:
રાજશાહી શાસનમાં જામનગરના વેપાર અને કળા ક્ષેત્રે રહેલા કલાકારોને રાજવી પરિવારો દ્વારા બિરદાવવાની સાથે તેઓને વધુને વધુ પ્રોત્સાહીત કરવાના આયોજનના પગલે શહેરના હજારો નહી લાખો લોકો બાંધણી ઉધોગ તેમજ અન્ય વેપાર ક્ષેત્રે અનેરૂ પ્રદર્શન કરી તેમનું હિર દર્શાવી જામનગરનું નામ દેશ નહીં વિશ્ર્વભરમાં જાણીતું બનાવ્યું છે.
હાલારના બંદરો અને માછીમારોએ અપાવ્યું વિદેશી હુંડીયામણ:
જામનગરના રાજાશાહી સુવર્ણકાળમાં જીલ્લાના જોડીયા, રોજી, બેડી, વાડીનાર, સલાયા, ઓખા બંદરો પરથી માછીમારી કરવા જતા માછીમારોએ રાત દિવસ મહેતન કરીને માછલીઓ પકડી તેમનો વિદેશોમાં નિકાશ કરી જામનગર અને દેશને વિદેશી હુંડીયામણ મેળવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજના સમયમાં પણ બંદરો પર માછીમારો ઉપરાંત મહાકાય એકમોની જેટીઓ કાર્યરત છે.
જામનગર ખુશનશીબ છે કે અંતિમ રાજવી જામશત્રુશલ્યસિંહજી હયાત છે:
જામનગરના રાજાશાહી યુગમાં જામ રણજીતસિંહજીથી માંડીને અત્યાર સુધીના રાજવીઓએ વિવિધ ક્ષેત્રોમાં શહેરના વિકાસની સાથો સાથ અકલ્પનીય હરણફાળ દર્શાવી છે, દેશની આઝાદી પછી અને અત્યારના વર્તમાન સમયમાં જામનગરના અંતિમ રાજવી એવા જામ શત્રુશલ્યસિંહજી હયાત છે, જેના પગલે જામનગરના લોકો ખુશનશીબ ગણાવી રહયા છે. જો કે જામનગરના રાજવીઓએ દેશ અને વિદેશમાં ડંકો વગાડયો છે અને તે સમયમાં પણ સૌરાષ્ટ્રભરમાં જામનગરનું સ્થાન ખુબ મહત્વનું ગણવામાં આવતું હતું.
કુદરતી આફતો અને મહામારી વચ્ચે જામનગર અડીખમ:
જામનગરના ઇતિહાસમાં ૧૯૫૬માં કારમો દુષ્કાળનો સામનો કર્યા બાદ ૧૯૭૨માં ફુંકાયેલા વિનાશક વાવાઝોડાનો તેમજ ૧૯૯૮માં મેઘરાજાએ અવિરત મહેર કરતા સર્જાયેલા જળબંબાકાર, ૨૦૦૧માં આવેલા ભયાનક ભુકંપ જેવી કુદરતી આફતો વચ્ચે પણ જામનગરના લોકોએ સહી છે તો સ્વાઇન ફલુ અને હાલના કોરોનાની મહામારી સામે પણ લડત આપી જામનગર અડીખમ રહયું છે.