જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક ગંદકીથી ખદબદતી જોખમી કેનાલ..!!
જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક ગંદકીથી ખદબદતી જોખમી કેનાલથી મનપાના કામમાં કેવી લાલીયાવાડી ચાલી રહી છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનાલનું કામ અધુરૂ મૂકી દેવામાં આવ્યું છે. આથી લોખંડના સળીયા લટકતા હોય જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની અક્ષમ્ય બેદરકારી વધુ એક વખત ખુલી છે. ત્યારે કચરા અને ગંદા ૫ાણીથી ઉભરાતી આ કેનાલ માટે જવાબદાર કોણ તે ગંભીર તપાસનો વિષય બન્યો છે. નવાઇની વાત તો એ છે કે, તાજેતરમાં ટૂંકાગાળામાં બે વ્યકિતના મૃતદેહ આ કેનાલમાંથી મળ્યા હોય કચરા અને ગંદા પાણી તથા લોખંડના સળીયા લટકતા હોય આ બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે અંગે અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે ગંદા પાણીના નિકાલ માટે મનપા દ્વારા કેનાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કેનાલનું કામ કોઇ પણ કારણોસર અધુરૂ મૂકી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં આથી આ કેનાલમાં સળીયા બહાર લટકી રહ્યા છે. તદઉપરાંત ચોમાસાના પ્રથમ વરસાદમાં આ કેનાલમાં પાણી ભરાઇ ગયું હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ત્યારબાદ મનપા દ્વારા આ કેનાલની સફાઇ કરવામાં આવી ન હોય કચરા અને ગંકદીથી ખદબદી રહી છે. આથી પ્રીમોન્સુન કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. કેનાલનું કામ અધુરૂ હોય લોખંડ સળીયા કેનાલમાં ઠેર ઠેર લટકી રહ્યા હોય તથા ગંદકી અને કચરાથી ખદબદી રહી હોય આ કેનાલ ખૂબજ જોખમી બની છે. બીજી બાજુ તાજેતરમાં આ કેનાલમાંથી ટૂંકાગાળામાં બે વ્યકિતના મૃતદેહ મળી આવ્યા છે. આથી પણ અનેક સવાલ ઉઠયા છે.
આ કેનાલનું કામ કેટલાના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે, શા માટે અધુરૂ મૂકવામાં આવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે. આટલું જ નહીં આ કેનાલની અધૂરી કામગીરી પાછળ મનપાના કયાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની બેદરકારી છે તે પણ સળગતો સવાલ ઉઠયો છે. હાલમાં તો આ કેનાલ ભારે જોખમી હોય જીવલેણ અકસ્માતનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે મનપાના ઉચ્ચ અધિકારીઓ આ કેનાલના અધૂરાં કામ અંગે સચોટ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે પગલાં લેેશે કે પછી અન્ય બેદરકારીની જેમ છાવરવામાં આવશે તે જોવાનું રહ્યું. દુ:ખની વાત તો એ છે કે, એક બાજુ શહેરભરમાં મનપા દ્વારા મોટા ઉપાડે સફાઇ અને સ્વચ્છતા ઝુંબેશ ચલાવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ગંદા પાણીના નિકાલની કેનાલ ગંદકીથી ખદબદતી હોય આ ઝુંબેશના ફીયાસ્કાની સ્થિતિ પ્રર્વતી રહી છે.