BREAKING NEWS

જામનગરમાં આરોગ્ય કર્મચારીઓનું પરિપત્ર ફાડી વિરોધ પ્રદર્શન

  • September 08, 2026 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આરોગ્ય કર્મચારીઓનું પરિપત્ર ફાડી વિરોધ પ્રદર્શન 


રાજ્યના આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) દ્વારા આરોગ્ય કર્મચારીઓને ખાનગી મોબાઈલમાં ટેકો પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા તેમજ ફિલ્ડમાં દરદી સાથે ફરજિયાત સેલ્ફી લઈ ફોટો અપલોડ કરવા સહિતના આદેશો કરવામાં આવતા જામનગરના આરોગ્ય કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. આજે જામનગર જિલ્લા પંચાયત કચેરી બહાર મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ એકત્ર થયા હતા અને વિરોધ વ્યક્ત કરી પરિપત્રની નકલો ફાડી નાખી હતી.

જામનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વજુભા જાડેજા, મહામંત્રી હરપાલસિંહ ચુડાસમા, ક્ધવીનર હિતેષભાઈ ચૌહાણ સહિતના આગેવાનો અને ફિલ્ડમાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ મેલ હેલ્થ વર્કર્સે જિલ્લા પંચાયત કચેરી બહાર એકત્ર થઈ કર્મચારીઓ વિરોધી પરિપત્ર પરત ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓના જણાવ્યા મુજબ તા. ૩૧ જુલાઈના રોજ ગ્રામ્ય આરોગ્ય કમિશનર દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં આરોગ્ય કર્મચારીઓને પોતાના ખાનગી મોબાઈલમાં ટેકો પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરી દૈનિક ધોરણે આરોગ્ય સેવાઓની રિયલ ટાઈમ એન્ટ્રી કરવા, એક્શન ફોટો તેમજ ફરજના સ્થળેથી દરદી સાથે સેલ્ફી લઈ તે ફોટો ફરજિયાત અપલોડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓને અગાઉ મળતું રૂ. ૪ હજારનું સર્વેલન્સ ભથ્થું પણ બંધ કરવામાં આવતા કર્મચારીઓમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે, ખાનગી મોબાઈલનો ઉપયોગ કરાવીને ફરજ બજાવવાનો તથા દરદી સાથે સેલ્ફી લેવાનો આદેશ કર્મચારીઓની ગોપનીયતા અને વ્યક્તિગત અધિકારો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. આ મુદ્દે રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રાઈટ ટુ પ્રાઈવસી અને રાઈટ ટુ ડિસકનેક્ટના નિયમો હેઠળ રજૂઆત કરવામાં આવી છે. જામનગરના આરોગ્ય કર્મચારીઓએ પણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી પરિપત્ર પરત ખેંચવા અને કર્મચારીઓની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવા માગણી કરી છે.
​​​​​​​

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જો રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. ૮ સપ્ટેમ્બરે વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તથા તા. ૧૦ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application