દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સેવાઓ મરણ પથારીએ : આમ આદમી પાર્ટીનો આરોપ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સેવાઓને લગતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર દ્વારા જિલ્લા કલેકટરને અને હાલારના ચાર સાંસદઓને તેમજ ધારાસભ્યઓને સોશિયલ મીડિયાના વિડીયોના માધ્યમથી તેમજ કલેક્ટરીને અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૮૯ વર્ષ પછી આરોગ્યને લગતી મુખ્ય સુવિધાઓ માટે માંગણી અને ઘાસચારા, વપરાશના પાણી ,ખેડૂતોને યોગ્ય ન્યાય અને ખેત મજૂરોને રોજગારી બાબતે આડકતરી રીતે રજૂઆત કરેલ.
વિગત જણાવ્યા મુજબ, જિલ્લાના નાગરિકોને સમયસર અને પૂરતી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ઇમરજન્સી સેવાઓમાં જરૂરી સુધારા કરવાની આવશ્યકતા છે.
જામખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ ખાતે તાત્કાલિક ધોરણે આઇસીયુ વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. દ્વારકા અને કલ્યાણપુરની સરકારી હોસ્પિટલોનાં નવાં બિલ્ડિંગનું કામ વહેલી તકે હાથ ધરી પૂર્ણ કરવામાં આવે.
હાલમાં જિલ્લામાં માત્ર ખંભાળિયા ખાતે આઇસીયુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવાના મુદ્દે રજૂઆત કરી, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ ખાતે પણ આઇસીયુ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ ફાળવવાની માંગ કરવામાં આવી હતી, જેથી અકસ્માત અને ગંભીર બીમારીના દર્દીઓને સમયસર સારવાર મળી શકે. સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી માટે ખંભાળિયા સુધી જવું ન પડે તે માટે દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડ ખાતે પૂરતી સોનોગ્રાફી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
માતા અને નવજાત શિશુને લગતી પરિવહન સેવાઓ વધુ સુલભ બને તે માટે જિલ્લામાં ખિલખિલાટ વાનની સંખ્યા વધારવામાં આવે. તમામ ૨૪ ઙઇંઈમાં ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવા: જિલ્લાના તમામ ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે જરી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ ૨૪ કલાક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કર્મચારીઓની હાજરી અને સમયપાલન અંગેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રોમાં બાયોમેટ્રિક હાજરી પદ્ધતિ ફરજિયાત બનાવી તેનો કડક અમલ કરવામાં આવે. રાણ લીંબડી ગામે સીએચસી સેન્ટર ફાળવવામાં આવે જેના કારણથી દરિયા કિનારાના આસોટા મેવાસા વીરપુર રણજીતપુર નવાગામ જુવાનપુર નંદાણા વગેરે ગામોને ક્રિટિકલ દર્દીઓને યોગ્ય આરોગ્યની સુવિધાઓ સમયસર તત્કાલીન મળી શકે.
આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આરોગ્ય સેવાઓ એ સામાન્ય નાગરિકની મૂળભૂત જરૂરિયાત છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો અને ઇમરજન્સી પરિસ્થિતિમાં સારવારની રાહ જોતા દર્દીઓને સમયસર સુવિધા મળે તે માટે તંત્રએ ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. જિલ્લાની ઉપરોક્ત આરોગ્યલક્ષી માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપી જરૂરી બજેટ, સાધનો, એમ્બ્યુલન્સ અને માનવબળની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.