જામનગર: સરકાર દ્વારા આરોપીની સજાનો સસ્પેન્શનનો હુકમ રદ કરવા કરેલ અરજી હાઇકોર્ટે નામંજુર કરી
ધ્રોલ ચામુંડા પ્લોટમાં રહેતા આરોપી રાહુલ ઘેલાભાઈ પરમારએ જોડિયામાં રહેતી સગીરવયની વિકટીમને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી, ફોસલાવી ભગાડી ગયેલ અને વિકટીમને જુદી-જુદી જગ્યાએ લઈ બળાત્કાર ગુજારેલ તે અંગેની ફરીયાદી વિકટીમના પિતાએ આરોપી સામે જામનગર પંચ ’એ’ ડીવી. પો.સ્ટે. માં આઈ.પી.સી. તથા પોકસો એકટની કલમ-૪(૬) મુજબ ગુન્હો નોંધી આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય, સ્પેશીયલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ કરી પોકસો કેસ રજીસ્ટરે લઈ કોર્ટમાં ચલાવવામાં આવેલ જે કેસમાં પ્રોશ્યુકેશન તરફે ૧૬ સાક્ષી તપાસવામાં આવેલ અને ૪૬ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ જેમાં આરોપી વિરૂધ્ધ એફ.એસ.એલ. માં રીપોર્ટ પોઝીટીવ આવેલ અને દસ્તાવેજી પુરાવા મુજબ પંચો સાક્ષીઓએ સમર્થન આપેલ અને આરોપી વિરૂધ્ધ ગુન્હો પુરવાર થઈ આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૪,૦૦૦/-દંડ ડી.એલ.એસ.એ. માં જમાં કરાવવા જામનગરના કે.આર. રબારી જજએ હુકમ કરેલ તે હુકમ રદ કરવા આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલ.
જે અપીલમાં સજાનો હુકમ સ્થગીત કરી આરોપીને અપીલ ચાલતા સુધી વચગાળાના શરતી જામીન ઉપર મુકત કરવામાં આવેલ તે હુકમની શરત મુજબ આરોપીએ ડિ.એસ.પી. જામનગરની પુર્વ પરવાનગી વિના જીલ્લાની હદ છોડવી નહીં તેવો હુકમ કરેલ તેમ છત્તા આરોપીએ ગુજરાત હાઈકોર્ટની આ શરતનું ઉલંધન કર્યુ અને ગીરનાર અને ઉજજૈન (મધ્યપ્રદેશ) ધાર્મિક હેતુ માટે ગયેલ હતો, જેથી આરોપીએ ગુજરાત હાઈકોર્ટનું શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલ અને શરતોનો ભંગ કરેલ હોવાથી સજા સ્થગિત કરવાનો હુકમ પાછો ખેંચી રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલ જે અરજીમાં આરોપી વકીલએ દલીલ કરેલ તે દલીલ માન્ય રાખી સરકારની જામીન રદ કરવા અરજી નામંજુર કરેલ અને આરોપીએ ગુજરાત હાઈકોર્ટની શરતનું ઉલ્લંધન કરેલ હોય, તે બદલ ટ્રાયલ કોર્ટમાં રૂ.૩,૦૦૦/- દંડ સ્વરૂપે જમાં કરાવવાનો રહેશે અને આરોપીએ ટ્રાયલકોર્ટ સમક્ષ અગાઉ જામીનનું બોન્ડ રજુ કરેલ તે બોન્ડ રદ કરેલ અને રૂ.૧૫,૦૦૦/- ના નવા જામીન આપવાના રહેશે તેવો હુકમ કરી આરોપીને શરતભંગનો ઉલ્લંધન કરેલ તેમાં રાહત આપેલ છે.
આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પરબત વી. મકવાણા, પ્રેમલ એસ. રાચ્છ, ગૌરવ એસ. થુમ્મર, પૂનમ જી. ચૌહાણ, ટ્રેઈની ઉર્વીશા એમ. લીંબાસીયા તથા ટ્રેઈની વિશાલ પી. મકવાણા રોકાયા હતા.