જામનગર: ધ્રોલના હોમગાર્ડઝ મહિલાનું જિલ્લા પોલીસ વડાના હસ્તે પ્રશંસાપત્ર આપી બહુમાન કરાયું
ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં નાયક તરીકે ફરજ બજાવતા સોનલબેન અમરશીભાઇ મકવાણાને તેમની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
સને ૨૦૨૫ ના વર્ષ દરમિયાન ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળ ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતી વખતે સોનલબેન મકવાણાએ હંમેશા ઉત્તમ અને શિસ્તબદ્ધ ટર્ન આઉટ સાથે પોતાની ફરજો અદા કરી હતી.
આ ઉપરાંત, તેમણે પોતાની ટીમમાં સામેલ અન્ય સભ્યોને પણ સતત પ્રોત્સાહિત કરી, તેમની પાસે અત્યંત નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ પ્રશંસનીય અને મોટિવેશનલ કામગીરીની ઉચ્ચ સ્તરે નોંધ લેવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનલબેન મકવાણાની આ ઉત્કૃષ્ટ સેવાઓ બદલ જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા તેમને પ્રશંસાપત્ર (એપ્રિશિયેશન સર્ટિફિકેટ) એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના સર્વોચ્ચ પોલીસ અધિકારીના હસ્તે મળેલા આ સન્માન બદલ ધ્રોલ પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક ગ્રામ રક્ષક દળના સાથી સભ્યોમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે અને સોનલબેન પર ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.