દ્વારકાના કલ્યાણપુરમાં ૧૦૦ બેડની પેટા જિલ્લા હોસ્પિટલનો પ્રોજેક્ટ ઠંડા બસ્તામાં: લોકોમાં રોષ
રાજય સરકારની મંજુરી મળ્યા બાદ પણ ભવન નિર્માણની કામગીરી શરૂ ન થતા દર્દીઓ પરેશાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકા મથકે સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી ૧૦૦ પથારીની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ માટે અંદાજે રૂ. ૩.૩૦ કરોડનું બજેટ પણ ફાળવાયું હોવાનું જણાવાય છે. જોકે મંજૂરી મળ્યાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હોસ્પિટલના ભવન નિર્માણની કામગીરી શરૂ ન થતાં સમગ્ર યોજના કાગળ પૂરતી જ સીમિત રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જામ કલ્યાણપુર તાલુકાના અંતરિયાળ ગામોના રહેવાસીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બનવાની હતી. નવી હોસ્પિટલ શરૂ થતાં નિષ્ણાત તબીબોની સેવા, આધુનિક સારવાર, ઓપરેશન થિયેટર અને ઇમરજન્સી સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા હતી. પરંતુ વહીવટી પ્રક્રિયામાં વિલંબને કારણે દર્દીઓને આજે પણ ગંભીર સારવાર તેમજ પ્રસૂતિ જેવી પરિસ્થિતિમાં ખંભાળિયા અથવા જામનગર સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડે છે.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું છે કે સરકારની મંજૂરી અને નાણાંકીય ફાળવણી છતાં કામ શરૂ ન થવું વહીવટી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. હોસ્પિટલના નિર્માણનું કાર્ય તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આગામી સમયમાં આ પ્રોજેક્ટ અંગે કોઈ સ્પષ્ટ અને હકારાત્મક કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે લોકશાહી ઢબે આંદોલન શરૂ કરવાની પણ તૈયારી કરવામાં આવશે.