જાહેરનામાઓની અસરકારકતા કેટલી? હી.. હી... હી..

  • December 11, 2023 10:32 AM 

સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટરો, પોલીસ અધિકારીઓ અને સક્ષમ ઓથોરિટી દ્વારા સમયાંતરે જુદા જુદા પ્રકારના પ્રસિદ્ધ કરવામાં આવતા જાહેરનામાઓની અસરકારકતા કેટલી ? તે બાબતની ચર્ચા છેલ્લા ઘણા સમયથી અને તેમાં પણ ખાસ કરીને દિવાળીના તહેવારોથી શરૂ થઈ છે અને છેલ્લે જ્યારે એસટીડીપીસીઓ અને કોઈન બોક્સ સંચાલકોને રજીસ્ટર નિભાવ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યાં સુધી ચર્ચા ચાલુ છે. જાહેર જીવનમાં આવા જાહેરનામાઓની અને તેની અમલવારીની સાર્થકતા વગેરે બાબતોની ખૂબ ચર્ચા થતી હોવાથી સક્ષમ ઓથોરિટીએ પુન:વિચારણા માટેની જરૂરીયાત હોવાનું બોલાઈ રહ્યું છે. જાહેરનામાઓની અસરકારકતા અને અમલવારી સંદર્ભે દરેક લોકો પોતપોતાની રીતે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા હોય છે પરંતુ એક કોમન અભિપ્રાય એવો વ્યક્ત થઈ રહ્યો છે કે થોડા સમય અગાઉ જેમ જુના કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે અથવા તો તેમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે તેવા ફેરફારો અથવા તો નાબૂદી સુધીના પગલાં લેવાનો સમય આવી ગયો છે. જે જાહેરનામાનો કોઈ અર્થ ન હોય તેવા જાહેરનામાઓ દર મહિને, છ મહિને કે વર્ષે નિયમિત રીતે પ્રસિદ્ધ કરવાની કાયદાકીય જોગવાઈ અને સૂચના હોવાના કારણે આવા જાહેરનામાઓ પ્રસિદ્ધ તો થઈ જાય છે પરંતુ તે સમાજમાં મજાકનું સ્વરૂપ પણ બની જતા હોય છે. દાખલા સહિત આ વાત સમજીએ તો થોડા સમય પહેલા એસટીડીપીસીઓ/ કોઈન બોક્સ સંચાલકોને રજીસ્ટર નિભાવવા માટેનું ફરમાન કરતું એક જાહેરનામું રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.આ જાહેરનામામા જણાવાયેલી વિગતો મુજબ કોઈનબોક્સ/ પબ્લિક એસટીડીપીસીઓ બુથ પરથી થતા જુદા જુદા ગુનાહિત કૃત્યો અટકાવવા અને જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવાના આશયથી આદેશ જાહેર કરવામાં આવે છે કે કોઈન બોક્સ કલેક્શન/ એસટીડીપીસીઓ/ આઇએસડી ધારકો/ સર્વિસ પ્રોવાઇડર જેમાં ભારત સંચાર નિગમ લિમિટેડ, રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ, ભારતી એરટેલ લિમિટેડ, ટાટા ટેલી સર્વિસ લિમિટેડ, આઈડિયા સેલ્યુલર લિમિટેડ અને અન્ય જે કોઈ કંપની ફ્રેન્ચાઇઝીથી એસટીડીપીસીઓ /આઇએસડી અને કોઈન બોક્સ ની સુવિધા પૂરી પાડતી હોય તેમણે કોઈન બોક્સ /એસટીડીપીસીઓ ઉપર ફોન કરવા આવનાર વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે માલિક/ સંચાલક/ ફ્રેન્ચાઇઝી હોલ્ડરે આવી વ્યક્તિનું રજીસ્ટર નિયત નમૂનામાં નિભાવવાનું રહેશે. આવું રજીસ્ટર એક વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે અને તપાસનીશ એજન્સીઓ માંગે ત્યારે તે રજૂ કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



આ જાહેરનામું વર્તમાન મોબાઈલ, ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીના યુગમાં કેટલું બધું અપ્રસ્તુત છે તે નાનામાં નાનું બાળક પણ જાણતું હોવા છતાં કાનૂની જોગવાઈ પૂરી કરવા માટે સંબંધિત સત્તાવાળાઓએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. પરંતુ અમલવારીની બાબતમાં જોઈએ તો એસટીડી પીસીઓનો એક જમાનો હતો. પરંતુ અત્યારે ક્યાંય એસટીડી પીસીઓ હોય તો તે એન્ટિક પીસ સમાન ગણાતો હોય છે. કારણ કે દરેક માણસ પાસે મોબાઇલ આવી ગયા છે. હજારો લાખો લોકો એવા છે કે જેમની પાસે એકથી વધુ મોબાઇલ છે. એસટીડીપીસીઓ ક્યાંય ગોત્યા પણ જડતા નથી. રાજકોટ શહેર- જિલ્લાની વાત કરીએ તો જ્યારે એસટીડીપીસીઓનો યુગ હતો ત્યારે પીક ટાઈમ સન ૨૦૦૫ માં આવ્યો હતો અને ત્યારે રાજકોટ શહેરમાં ૧૮૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫,૦૦૦ મળીને ૨૩,૦૦૦ બુથ હતા. પરંતુ અત્યારે આવું એક પણ બુથ નથી તેવું ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિકૃત અને સત્તાવાર જણાવવામાં આવે છે. હવે જ્યારે એસટીડીપીસીઓ રહ્યા જ નથી ત્યારે તેને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવાનું કેટલા અંશે વ્યાજબી છે?



જાહેરનામાઓની સાર્થકતા અને અસરકારકતાની ચર્ચા સમાજ જીવનમાં દિવાળીના તહેવારોથી શરૂ થઈ છે અને તેનું કારણ એ છે કે દિવાળીના તહેવારો દરમિયાન એક એવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું કે ફટાકડા દિવાળીના રાત્રે ૮ થી ૧૦ દરમિયાન જ ફોડી શકાશે. આ પ્રકારનું જાહેરનામું દર વર્ષે બહાર પાડવામાં આવે છે અને એક પણ વર્ષે એક ટકા જેટલી પણ તેની અમલવારી થતી નથી તેના આપણે સૌ કોઈ સાક્ષી છીએ. આ તો સુપ્રીમ કોર્ટનો હુકમ છે અને અમે અમલવારી કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે તેવું દેખાડવા આ બધું થતું હોય તેમ લાગે છે. ખરેખર જો રીઝલ્ટ લાવવું હોય તો દાખલો બેસે તે મુજબના પગલાં જાહેરનામાના ભંગ કરનાર સામે દિવાળીના તહેવારો દરમિયાન લેવાવા જોઈએ. મોટી રકમના દંડ થવા જોઈએ અને જો આવું બધું ન કરી શકાય તો જાહેરનામા પ્રસિદ્ધ કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે અમે તો જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું તેવો જવાબ આપી શકાય અને ભંગ કરનાર સામે કાયદાની જુદી જુદી કલમો ઉપરાંત જાહેરનામાના ભગની કલમ પણ ઉમેરી શકાય.
સમાજનો એક મોટો વર્ગ એવું માને છે કે જો ખરેખર આ દિશામાં નક્કર કાર્યવાહી કરવાની ઈચ્છા હોય તો અમુક ડેસિબલ કે તેનાથી વધુ અવાજ કરતા ફટાકડાના ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. જે તે ફેક્ટરીના સંચાલક સામે ભંગ બદલ કાર્યવાહી કરવી જોઈએ. વધારે ધુમાડો કાઢીને પર્યાવરણને નુકસાન કરતા હોય તેવા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેની અમલવારી સિદ્ધિ ઉત્પાદક લેવલથી જ થવી જોઈએ. જો માલનું ઉત્પાદન નહીં થાય તો વપરાશ કેમ થશે ? તે સીધી સાદી સમજ મગજમાં રાખીને પગલાં લેવાય તો અડધી સમસ્યા આપોઆપ દૂર થઈ જાય.


સામાન્ય રીતે મકરસંક્રાતિના તહેવારો દરમિયાન ચાઈનીઝ દોરા તુકલ અને લેન્ટલના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લાગતું જાહેરનામું છેલ્લા દિવસોમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે ઓથોરિટી કંઈક નક્કર કામગીરી કરવાના મૂડમાં હોય તેમ આ પ્રકારનું જાહેરનામું ડિસેમ્બર માસના પ્રારંભમાં જ પ્રસિદ્ધ કરી દેવાયું છે. આમ કરવાથી હવે કાયદામાં માનનાર વેપારી અને વ્યક્તિ આવા પ્રકારના ચાઈનીઝ માલની આયાત નહીં કરે, સંગ્રહ નહીં કરે અને વેચાણ નહીં કરે. કારણ કે તેને આ માટે પૂરતો સમય મળી ગયો છે અને આમ છતાં જો તે આવું કરે તો તેની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ. ચાઈનીઝ દોરા તુકલ અને લેન્ટલના ઉપયોગથી હાથમાં ચીરા પડવા, ગળામાં કે શરીરના અન્ય ભાગમાં બીજાઓ પહોંચવી. મૃત્યુ પામવાની અને આગ લાગવાની ગંભીર પ્રકારની કહી શકાય તેવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓ રોકવા માટે જાહેરનામા પ્રસિદ્ધ કરીને કડક અમલવારી પણ જરૂરી બની ગઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application