જામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
શેઠવડાળા પોલીસ મેઘપર આંબરડીના નદી કાંઠે ત્રાટકી : ૨૯૧૭ વિદેશી દારૂની બોટલો, ૪૯૮૬ ચપલા, બેન્ટોનાઇટ પાવડર અને વાહનો કબ્જે : ૩ શખ્સો ફરાર : પંથકમાં ચકચાર
જામજોધપુર પંથકના મેઘપર આંબરડી ગામની બહાર નદી કાંઠે ખુલ્લા પટમાં શખ્સો ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરે છે એવી શેઠવડાળા પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરોડા દરમ્યાન ઇંગ્લીશ દારૂની ૨૯૧૭ બોટલ, ૪૯૮૬ ચપલા, બેન્ટોનાઇટ પાવડર અને ટ્રક તેમજ પિકઅપ બોલેરો મળી કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો ગામમાં રહેતા બે શખ્સો અને ટ્રકચાલક નાશી ગયા હતા જેમની સામે ગુનો નોંધી પકડી પાડવા માટે તપાસ લંબાવવામાં આવી છે, શરાબનો જંગી જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા એસપી ડો. રવિ મોહન સૈનીએ જીલ્લામાં દારૂ જુગારના કેશો શોધી કાઢવા સુચના કરતા લાલપુર ડીવીઝન ડીવાયએસપી પ્રતિભાના માર્ગદર્શન મુજબ શેઠવડાળા પીઆઇ આર.બી.સોલંકી તથા સ્ટાફના માણસો જુગાર તથા પ્રોહીના કેશો શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ નવલભાઇ, પો.કોન્સ વરજાંગભાઇ, પો.કોન્સ અર્જુનભાઇ, પો.કોન્સ રાજવીરસિંહને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મેઘપર આંબરડી ગામમાં રહેતા ભાયા લખમણ છેલાણા તથા ભીમા ભાયા છેલાણા મેઘપર આંબરડી ગામની બહાર આવેલ નદીના કાંઠે ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરે છે.
તે હકીકત આધારે રેઇડ કરી વિદેશી દારૂની ૨૯૧૭ બોટલ કિ. ૨૦.૧૭.૮૯૮ તથા ચપટા ૪૯૮૬ કિ. ૪.૯૮ લાખ તથા એક ટ્રક કિ. ૧૦ લાખ તથા એક બોલેરો પિકઅપ કિ. ૫ લાખ તથા ટ્રકમાં રહેલ બેન્ટોનાઇટ પાવડર ૩૦ એમટીઆર જેટલો જેની કિ. ૨.૨૦.૫૦૦ એક તાડપત્રી કિ. ૧૦૦૦ મળી કુલ ૪૨.૩૭.૯૯૮નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
મેઘપર આંબરડીના ભાયા છેલાણા અને ભીમા છેલાણા તથા અશોક લેલન્ડ ટ્રક નં. જીજે૩૬પી-૪૫૩૫ના ચાલક તથા તપાસમાં જે ખુલે તમામને ફરાર જાહેર કરી તપાસ લંબાવી છે. ભાયા સામે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ૨ ગુના અને ભીમા સામે પણ બે ગુના નોંધાયેલા છે. ઇંગ્લીશ દાનો જંગી જથ્થો ઝડપાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જામનગર શહેર-જીલ્લામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરનારા શખ્સો સામે પોલીસે દરોડારૂપી તવાઇ બોલાવી છે અને જુદા જુદા વિસ્તારોમાંથી દારૂની બોટલો તેમજ ચપલા સાથે આરોપીઓને પકડી લેવામાં આવે છે, તાજેતરના દરોડા બાદ શેઠવડાળા પોલીસને વિદેશી દારૂની નાની મોટી બોટલો ભરેલા વાહનો કબ્જે કરી સફળતા મળી હતી, લાખોની કિંમત દારૂ તેમજ પાવડર અને વાહનો જપ્ત કર્યા હતા, બીજી બાજુ નાશી છુટેલા આરોપીઓ બાબતે સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.