સામાન્ય રીતે લંગરમાં ભોજન પીરસાતું હોય છે, પરંતુ ચંદીગઢમાં હવે આઈફોનનું લંગર લાગવા જઈ રહ્યું છે. રાજા ડી કિંગ તરીકે જાણીતા રાકેશ ત્રેહાને ૨૨ સપ્ટેમ્બરે લોકોને મફતમાં આઈફોન આપવાની જાહેરાત કરી છે. આઈફોન મેળવનારા લોકોની પસંદગી જાહેરમાં લકી ડ્રો દ્વારા કરવામાં આવશે.રાજા ડી કિંગે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વિડિયોમાં જણાવ્યું કે આઈફોનનું વિતરણ બધાની સામે કરવામાં આવશે. કાર્યક્રમમાં મીડિયા પણ હાજર રહેશે. ચંદીગઢ અને મોહાલીના લોકોમાંથી કેટલાક નામ લકી ડ્રો દ્વારા પસંદ કરવામાં આવશે અને જેમનાં નામ નીકળશે તેમને ત્યાં જ આઈફોન આપવામાં આવશે.ખાસ વાત એ છે કે આ લંગરમાં જૂના આઈફોન નહીં અપાય. આયોજકે આઈફોન ૧૭ અને તેનાથી ઉપરના મોડલ આપવાની જાહેરાત કરી છે. અગાઉ આઈફોન ૧૬ પણ આપવાની યોજના હતી, પરંતુ પછી તેને પડતી મૂકવામાં આવી. આઈફોન ૧૮ શ્રેણીનું વેચાણ શરૂ થયું છે ત્યારે આ અનોખી જાહેરાતને કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.રાજા ડી કિંગ અગાઉ પણ આવા અનોખા લંગર યોજવાના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે અગાઉ પેટ્રોલનું લંગર યોજવાની જાહેરાત કરી હતી. તે સમયે મોટી સંખ્યામાં લોકો પહોંચતાં ભારે ભીડ થઈ હતી અને કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થઈ શક્યો નહોતો. તેમણે સોનાના સિક્કા અને રોકડ રકમના વિતરણ જેવા કાર્યક્રમો પણ કર્યા હોવાનું જણાવાયું છે.આ વખતે કોઈ ગેરસમજ ન રહે તે માટે આઈફોન મેળવનારા લોકોનાં નામ જાહેરમાં કાઢવામાં આવશે. આખી પ્રક્રિયા લોકો અને મીડિયાની હાજરીમાં કરવાનો દાવો કરવામાં આવ્યો છે.૨૨ સપ્ટેમ્બરનો કાર્યક્રમ ચંદીગઢ અને મોહાલીના લોકો માટે રહેશે. ત્યાર પછી અન્ય શહેરોના લોકોને પણ આવા જ લકી ડ્રોમાં સામેલ કરવાની યોજના છે. આગામી તબક્કામાં કયા શહેરોમાં અને કેટલા આઈફોન આપવામાં આવશે તેની જાહેરાત પછી કરવામાં આવશે.મોંઘા આઈફોન માટે લોકો કલાકો સુધી દુકાનોની બહાર લાઈનો લગાવતા હોય તેવા દૃશ્યો વચ્ચે હવે ચંદીગઢમાં મફત આઈફોન મેળવવા માટે કેટલા લોકો ઉમટે છે તેના પર સૌની નજર રહેશે.