અમેરિકામાં વેચાતા આઇફોન ભારતમાં જ બનાવાશે: ટિમ કૂક

  • May 03, 2025 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની અસર ઘટાડવા માટે એપલની ભારત પર નિર્ભરતા વધી રહી છે. જૂન ક્વાર્ટરમાં અમેરિકામાં વેચાનાર મોટાભાગના આઇફોન ભારતમાં બનાવવામાં આવશે, કારણ કે એપલ તેની સપ્લાય ચેઇનને ચીનથી દૂર ખસેડી રહ્યું છે, એમ કંપનીના કયુ-2 એફવાય-25 ત્રિમાસિક પરિણામો પછી સીઈઓ ટિમ કૂકે જણાવ્યું હતું. પરંતુ જૂન પછી પરિસ્થિતિ કેવી રહેશે તે સ્પષ્ટ નથી. કૂકે કહ્યું કે જૂન પછી પરિસ્થિતિ કેવી હશે તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. જોકે તેમણે સંકેત આપ્યો કે ટેરિફ અંગેની પરિસ્થિતિ હજુ પણ સ્થિર છે.


ટિમ કૂકે જણાવ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમેરિકામાં વેચાતા મોટાભાગના આઈફોન ભારતમાંથી આવશે. જોકે યુએસમાં આવનારા મોટાભાગના આઈપેડ, મેક, એપલ વોચેસ અને એરપોડ્સ વિયેતનામમાં બનાવવામાં આવશે. ઉલ્લેખનીય કે અમેરિકાએ ચીનથી આયાત થતા માલ પર ૧૪૫ ટકા ટેરિફ લાદ્યો છે. જ્યારે, ચીનની તુલનામાં, વિયેતનામ પર હાલમાં ફક્ત 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.


યુએસ ગેજેટ જાયન્ટ એપલે વર્તમાન ક્વાર્ટર માટે લગભગ 900 મિલિયન ડોલર વધારાના ખર્ચનું બજેટ રાખ્યું છે, જેનું મુખ્ય કારણ ટેરિફ છે. આ આંકડાએ કેટલાક નિષ્ણાતોને આશ્ચર્યચકિત કર્યા, જેમણે નુકસાન વધુ હોવાની અપેક્ષા રાખી હતી. ચીનથી આયાત કરાયેલી એપલકેર સેવાઓ અને એસેસરીઝ પર હજુ પણ ૧૪૫ ટકાનો સંપૂર્ણ ટેરિફ લાગશે, અને કંપની હાલ પૂરતો આ વધારાનો ખર્ચ સહન કરવા તૈયાર હોવાનું માનવામાં આવે છે.


ભવિષ્યમાં યુએસ ટેરિફને કારણે એપલ ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની શક્યતાને કારણે ગ્રાહકોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો નથી. એપલે માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 95.4 બિલિયન ડોલરની આવક નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉ 90.75 બિલિયન ડોલર હતી. જેમ જેમ એપલ તેના ઉત્પાદન ભૂગોળમાં પરિવર્તન લાવી રહ્યું છે, તેમ તેમ ભારત એક મુખ્ય વૈશ્વિક કેન્દ્ર તરીકે તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application