જામનગર: ખોડીયાર કોલોનીમાં હીટ એન્ડ રન : આઇસ્ક્રીમની રેકડીવાળાને હેમરેજ
અજાણ્યા વાહનચાલક ઠોકર મારી રફુ ચકકર : ધ્રોલ ત્રિકોણ બાગ પાસે ટેન્કરે કારને ટકકર મારી ડીવાઇડર પર ચડાવી દીધી
જામનગરમાં તાજેતરમાં જ હીટ એન્ડ રનના ૩ બનાવ સામે આવ્યા હતા દરમ્યાનમાં ગઇકાલે ખોડીયાર કોલોની વિસ્તારમાં હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં આઇસ્ક્રીમની રેકડી લઇને જઇ રહેલા વૃઘ્ધને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજા પહોચાડી નાશી ગયો હતો જયારે ધ્રોલ ત્રિકોણ બાગ પાસે ટેન્કરે ફોરવ્હીલ ગાડીને ઠોકર મારી ડીવાઇડર પર ચડાવી દઇને નાશી ગયો હતો. આ બંને બનાવમાં ફરીયાદના આધારે આરોપી ચાલકોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના એમ.પી. શાહ ઉધોગનગર સંતકબીર આવાસ વિંગ-ડી, મ નં. ૮૦૧ ખાતે રહેતા વેપાર કરતા લલીત નરેશભાઇ જસવાણી (ઉ.વ.૩૧) નામના યુવાને અજાણ્યા વાહનના ચાલક સામે ગત રાત્રીના ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના પિતા પોતાની આઇસ્ક્રીમની રેકડી લઇને ગઇકાલે ખોડીયાર કોલોની રોડ પરથી પસાર થતા હતા, તે દરમ્યાન કોઇ અજાણ્યા વાહનના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ફરીયાદીના પિતા નરેશભાઇ કરમચંદ જસવાણી (ઉ.વ.૫૬)ને ઠોકર મારી હતી. જેમાં માથામાં હેમરેજ જેવી ઇજા અને આંખ અને શરીરના ભાગે મુંઢ ઇજા પહોચાડી ચાલક નાશી ગયો હતો.
બીજા બનાવમાં રાજકોટના નવા થોરાણા વિજયનગર સોસાયટીમાં રહેતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી મહેશ મુકેશભાઇ સોલંકી (ઉ.વ.૫૦) પોતાની અલ્ટોઝ ગાડી નં. જીજે૩-એનએફ-૩૫૯૮ લઇને તા. ૧૬ના સવારના સુમારે રાજકોટથી જામનગર જતા હતા, દરમ્યાન ધ્રોલ ત્રિકોણબાગ પાસે પહોચતા ટેન્કર નં. જીજે૩સીયુ-૯૪૭૧ના ચાલકે ગફલત અને પુરઝડપે ચલાવી ફરીયાદીની ગાડીને ઠોકર મારી અકસ્માત સર્જી ડીવાઇડર પર ચડાવી દઇને નાશી ગયો હતો. આ બનાવ અંગે મહેશભાઇ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઇકાલે ઉપરોકત નંબરના ટેન્કર ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.