ખંભાળિયા: સલાયા મરીન પોલીસે ઘી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપ્યું
જેસીબી અને ડમ્પર સહિત ૨૬.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા સરકારી ખરાબાની જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના અન્વયે ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિત રૂદલાલ અને સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કાર્યરત હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પીઠાભાઇ પી. જોગલ અને હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ બી. જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે સલાયાથી ગોઇંજ તરફ જતા રસ્તે આશરે દોઢેક કિલોમીટર દૂર ઘી નદીના પટમાં આવેલા પ્રથમ કોઝવે પાસેના સરકારી ખરાબામાં જેસીબી વડે ગેરકાયદેસર રીતે માટી ખસેડી, નીચે પાણી ભરેલા ખાડામાંથી રેતી કાઢી ડમ્પરમાં ભરીને સરકારી ખનીજનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું છે.
આ બાતમીના આધારે પોલીસે તત્કાલીક સ્થળ પર દરોડો પાડ્યો હતો. ત્યાં કોઈપણ અધિકૃત મંજૂરી વિના સારી ગુણવત્તાની રેતીનું ખનન કરી ડમ્પરમાં ભરતા જેસીબી ડ્રાઇવર હમીરભાઇ ભારાભાઇ સંધીયા (રહે. સોડસલા, તા. ખંભાળીયા) અને વાહનના ભાગીદાર માલિક વેજાણંદભાઇ અરજણભાઇ ભાચકન (રહે. સંજયનગર, ખંભાળીયા) મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી આશરે રૂ. ૧,૬૦,૦૦૦ ની કિંમતની ૩૨ ટન જેટલી ખનન કરેલી રેતી, રૂ. ૧૫,૦૦,૦૦૦ ની કિંમતનું જેસીબી મશીન (રજી. નં. જી.જે.૧૩ઇઇ ૦૮૦૦) અને રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કિંમતનું ટ્રક ડમ્પર (રજી. નં. જીજે-૧૨ એયુ ૫૨૫૯) મળી કુલ રૂપીયા ૨૬,૬૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેરકાયદેસર ખનીજ ખનન અંગે વાહનો હસ્તક લઈ વાહન માલિકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકાના ખાણખનીજ વિભાગને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે.