જામનગર: ગણપતિ ઉત્સવને લઈ પોલીસની મહત્વપૂર્ણ બેઠક
આગામી ગણપતિ ઉત્સવના તહેવારને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન જિલ્લા પોલીસ કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ગણપતિ મહોત્સવના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન ગણપતિ ઉત્સવની ઉજવણી શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગણપતિ સ્થાપના, વિસર્જન સહિતના કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા આયોજકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.સાથે જ તહેવાર દરમિયાન જાહેર વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને આયોજકો વચ્ચે સંકલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આગામી ગણપતિ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જામનગર પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.