જામનગર: રણુજા ધામ ખાતે ત્રિદિવસીય ભવ્ય લોકમેળાનું સાંસદના હસ્તે ઉદ્દઘાટન
કાલાવડના જુના અને નવા રણુજામાં ભાવિકોની ભારે ભીડ વચ્ચે ભજન-કીર્તન અને લોકડાયરાની રમઝટ: મહાનુભાવોની ઉપસ્થિતિ
કાલાવડ પંથકના તીર્થધામ સમાન નવા અને જુના રણુજા ખાતે બિરાજમાન અલખધણી શ્રી રામદેવજી મહારાજના ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત આયોજિત ભવ્ય લોકમેળાનો આજે બીજો દિવસ છે. આ લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આર. સી. ફળદુ, જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાલસિંહ રાણા, જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા તથા શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મેળાના આજે બીજા દિવસે પણ વહેલી સવારથી જ દર્શનાર્થીઓ અને મેળાપ્રેમીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તિ, લોકસંસ્કૃતિ અને સૌરાષ્ટ્રના લોકસંગીતના ત્રિવેણી સંગમ સમાન આ આયોજનમાં નવા રણુજા ખાતે જાણીતા કલાકારો વિપુલ પ્રજાપતિ, પ્રકાશ ગોહિલ, તમન્ના ઠાકોર, મુકેશ બારોટ, શૈલેષ મહારાજ, અલ્પા પરમાર, રામદાસ ગોંડલીયા અને પ્રીતી વાંઝા સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવી રહ્યા છે. જ્યારે હીરાબાપાની જગ્યા તરીકે ઓળખાતા જુના રણુજા ખાતે પણ સંતવાણી, કાનગોપી રાસ તેમજ રામામંડળ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થઈ રહ્યા છે.
સમગ્ર નકલંકધામ પરિસર ભક્તિમય સૂરોથી ગુંજી ઉઠ્યું છે. મેળામાં આવતા હજારો શ્રદ્ધાળુઓની સલામતી અને સુરક્ષા માટે વહીવટી તંત્ર તેમજ આયોજકો દ્વારા સીસીટીવી કેમેરા સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માટે ભોજન-પ્રસાદ, પ્રાથમિક સુવિધાઓ તેમજ ગૌશાળામાં ગાયોની સેવાની સુંદર વ્યવસ્થા વચ્ચે પંથકના હજારો ધર્મપ્રેમી ભક્તો દર્શન અને લોકમેળાનો આનંદ માણી રહ્યા છે.