જામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મીઓની અચોકકસ મુદતની હડતાળ
જામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ના તમામ કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાળ પર ઉતરતા શહેર-જિલ્લાની તમામ કચેરીમાં જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ,રી-સર્વે સહીતની મહત્વની કામગીરી બંધ થતાં પારાવાર હાલાકીથી અરજદારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. પડતર ગ્રેડ-પે સહીતની માંગણી ન સંતોષાતા કર્મચારીઓ તમામ કામગીરીથી અળગા રહેતા અરજદારોને ધરમના ધકકા થયા હતાં. અત્રે નોંધનીય છે કે, આઇએલઆર કચેરીના કર્મચારીઓ શનિવારે માસ સીએલ પર જતાં શહેર-જિલ્લાની કચેરીમાં જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, રી-સર્વે સહીતની મહત્વની કામગીરી ખોરંભે ચડતા દેકારો બોલી ગયો હતો.
જામનગર સહીત રાજયભરમાં ઇન્સપેકટર ઓફ લેન્ડ રેકર્ડ એટલે કે આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પેની માંગણી સાથે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૧-૮ થી ૧૦-૯ દરમ્યાન આવેદન પત્ર પાઠવી ૩૦ દીવસમાં આ પ્રશ્ર્નનું નિરાકરણ કરવા માંગણી કરી હતી. આમ છતાં પ્રશ્ર્નનો ઉકેલ ન આવતા તા.૧૧-૯ થી ૧૮-૯ સુધી કચેરીમાં હાજર રહી પેનડાઉન કરી તમામ પ્રકારની કામગીરી બંધ કરી વિરોધ દર્શાવામાં આવ્યો હતો. પરંતુ આમ છતાં સરકાર અને વડી કચેરી દ્વારા કોઇ નિર્ણય કરવામાં ન આવતા રાજ્યવ્યાપી લેવાયેલા નિર્ણય અનુસાર આજરોજ જામનગર શહેર-જિલ્લામાં કાર્યરત આઇએલઆર કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના ૬૭ કર્મચારીઓએ માસ સીએલ એટલે કે સામૂહીક રજા પાડી હતી. આથી શહેર-જિલ્લાની તમામ આઇએલઆર કચેરીમાં જમીન માપણી, રી-સર્વે, પ્રોપર્ટી કાર્ડ, દીશા અને પ્લોટ માપણી, રીમાન્ડ અને હકકચોકસીના કેસ સહીતની મહત્વની કામગીરી બંધ રહી હતી. આથી અરજદારો અને ખેડૂતોમાં ભારે દેકારો બોલી ગયો છે.
આટલું જ નહીં પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા આજથી વર્ગ-૩ના કર્મચારીઓએ અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા હતાં. તમામ કર્મચારીઓ લાલબંગલા પટાંગણમાં આવેલી કચેરી પાસે એકઠા થયા હતા અને ધરણાં પર બેસી વિરોધ વ્યકત કર્યો હતો. આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓ સોમવારથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતરતા શહેર-જિલ્લાની તમામ કચેરીમાં મહત્વની કામગીરી બંધ થતાં ખેડૂતો, પક્ષકારો અને અરજદારોને ધરમના ધકકા થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.