જામનગર જિલ્લામાં 'ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ'ની નવી તાલુકા કક્ષાની ૭ કચેરીઓ નવા સરનામે કાર્યરત કરાઈ
જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્વામિત્વ જેવી તમામ સેવાઓ હવે જિલ્લાના બદલે નાગરિકોને પોતાના જ તાલુકા મથકે મળી રહેશે.
જામનગર તા.૦૨, મહેસૂલ વિભાગના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, મજબૂત અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી જામનગર જિલ્લામાં જમીન દફતર ખાતાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રીની કચેરી હેઠળ અગાઉ કાર્યરત જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ (ડી.આઈ.એલ.આર.), સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને હક્કચોક્સી અધિકારી જેવી જગ્યાઓના નામાભિધાન સુધારીને હવે ‘જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨’ (Inspector of Land Records) કરવામાં આવ્યા છે.
નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ માટે જિલ્લા મથક સુધી જવું ન પડે અને તેમના રહેઠાણની નજીક જ ત્વરિત સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જામનગર જિલ્લામાં ૭ નવી તાલુકા કક્ષાની કચેરીઓ નીચે દર્શાવેલા નવા સ્થળ અને સરનામે કાર્યરત કરવામાં આવી છે:
૧. જામનગર શહેર: જમીન દફતર નિરીક્ષક કચેરી જામનગર (શહેર), મોજણી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવાસદન, શરૂ સેકશન રોડ, જામનગર.
૨. જામનગર ગ્રામ્ય: જમીન દફતર નિરીક્ષક કચેરી જામનગર ગ્રામ્ય, સેવાસદન-૩, લાલ બંગલો કંપાઉન્ડ, પ્રથમ માળ, જામનગર.
૩. કાલાવડ: જમીન દફતર નિરીક્ષક કચેરી કાલાવડ, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધોરાજી રોડ, કાલાવડ.
૪. ધ્રોલ: જમીન દફતર નિરીક્ષક કચેરી ધ્રોલ, જૂનું કોર્ટ બિલ્ડિંગ, જોડિયા નાકા પાસે, જોડિયા રોડ, ધ્રોલ.
૫. જોડીયા: જમીન દફતર નિરીક્ષક કચેરી જોડીયા, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, જોડીયા.
૬. લાલપુર: જમીન દફતર નિરીક્ષક કચેરી લાલપુર, જ્ઞાનદિપ વિદ્યામંદિર, પટેલ શેરી, જૂની શાક માર્કેટ રોડ, લાલપુર.
૭. જામજોધપુર: જમીન દફતર નિરીક્ષક કચેરી જામજોધપુર, સ્ટેશન પ્લોટ, અંજુ ભગવાનદાસ પારવાણીનું મકાન, મામલતદાર કચેરી સામે, જામજોધપુર.
નવી વ્યવસ્થા અમલી બનતા હવેથી જમીન દફતર ખાતાની તમામ વહીવટી કામગીરીઓમાં વેગ આવશે. અગાઉ નાગરિકોએ પ્રોપર્ટી કાર્ડ માટે સિટી સર્વે કચેરીએ અને જમીન માપણી માટે ડી.આઈ.એલ.આર. કચેરીએ અલગ-અલગ જવું પડતું હતું, તેના બદલે હવે તાલુકા કક્ષાની આ એક જ કચેરીમાંથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, સ્વામિત્વ યોજના સહિતની તમામ સેવાઓ એકસાથે મળી રહેશે.
જામનગર જિલ્લાના તમામ નાગરિકોને જમીન રેકર્ડ, માપણી અને પ્રોપર્ટી કાર્ડ સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે પોતાના તાલુકાની સંબંધિત કચેરીનો સંપર્ક સાધવા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.સાથે જ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ કમ એકત્રીકરણ અધિકારી એચ.એસ. રબારી દ્વારા આ સેવાઓનો સ્થાનિક કક્ષાએ વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો છે.