BREAKING NEWS

જામનગરમાં વરસાદ બાદ આકરો તાપ, ચોમાસુ પાકમાં સુકારો, કોહવારાની ભીતિ

  • September 21, 2026 12:10 PM 

જામનગરમાં વરસાદ બાદ આકરો તાપ, ચોમાસુ પાકમાં સુકારો, કોહવારાની ભીતિ

ચિંતા: કપાસ,તલ,એરંડા, મગફળીનાં છોડની અંદર અને ફરતે ફુગ થવાની પ્રબળ શકયતા, જંતુનાશક દવાનો છંટકાવ અને ડ્રેન્ચીંગ જરૂરી

કાલાવડના બામણ ગામમાં મગફળીનો પાક પીળો પડી ગયો: વરસાદ થવા છતાં ખેડૂતોની મુશ્કેલી બેવડાઇ: પાકની ગુણવતા અને ઉત્પાદન ઘટશે 

જામનગર જિલ્લામાં વરસાદ બાદ આકારો તાપ પડતા ચોમાસુ પાકમાં સુકારો અને કોહવારા રોગની ભીતિ સર્જાઇ છે. કપાસ,તલ અરેંડા, મગફળીના છોડની અંદર અને ફરતે ફુગ થવાની પ્રબળ શકયતા હોય જંતુનાશક દવા અને ડ્રેન્ચીંગ ખાસ જરૂરી હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. કાલાવડના બામણ ગામમાં મગફળીનો પાક પીળો પડી જતાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ મોડો વરસાદ થતાં ખેડૂતોની મુશ્કેલી બેવડાઇ છે. વરસાદમાં વિલંબ અને ઘટથી પાકની ગુણવતા અને ઉત્પાદન ઘટશે તેમાં બેમત નથી. 

જામનગર શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ૧૫ જૂન બાદ વિધિવત ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ મેઘરાજાએ રૂસણા લીધા હોય તેમ ૩ મહીનામાં નહીંવત વરસાદ થતાં પાક અને પાણીનું ચિત્ર બગડયું છે. જો કે, ભાદરવામાં મેઘકૃપા થતાં નોંઘપાત્ર વરસાદ વરસ્યો છે. આ વરસાદ મુરઝાતી મોલાત માટે જીવતદાન સમાન બન્યો છે. પરંતુ ભાદરવામાં વરસાદ બાદ આકરો તાપ પડતા ચોમાસુ મગફળી, કપાસ, તલ, અરેંડાના પાકમાં સુકારો અને કોહવારો ફુગ જન્ય રોગચાળા દેખાતા ખેડૂતોની મુશ્કેલી બેવડાઇ છે. આ રોગના કારણે પાકના પાંદડા ધીમે ધીમે કાળા પડે છે અને છોડ સૂકાઇ જાય છે. આ અંગે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્વના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, વરસાદ બાદ આકરો તડકો ૫ડતા ચોમાસુ પાકમાં રોગની ફરિયાદો ખેડૂતોમાં ઉઠી છે. આથી ખેડૂતોએ આ  રોગના નિયંત્રણ માટે સલ્ફર, કાર્બન ડેજીન દવાનું તથા નેચરલ ફાર્મ પઘ્ધતિ અપનાવી હોય તો ટ્રાયકોડર્મા જૈવીક ફુટનું ડ્રેન્ચીંગ કરવું ખૂબજ જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, હાલારમાં ચાલુ વર્ષે મગફળીનું વાવેતર વધુ થયું છે. પાછોતરો વરસાદ થતાં જે ખેડૂતોને પિયતની સુવિધા હતી તેઓને હવે ૮ થી ૧૦ દીવસમાં મગફળીનો પાક ઉતારવાનો સમય છે. જયારે પાછોતરૂ વાવેતર કરનારા ખેડૂતોના પાક હજુ ખેતરોમાં ઉભા છે. જો કે, હજુ પણ વરસાદની જરૂર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કાલાવડ તાલુકાના બામણગામમાં મોટાભાગે મગફળીનું આગોતરૂ વાવેતર કરવામાં આવ્યું હતું. મગફળીનો પાકને ૭૦ થી ૭૫ દિવસ થતાં અપૂરતા વરસાદના કારણે   ખેતરોમાં મગફળીના છોડ પીળા પડી ગયા હતાં. એક કે બે ખેતરમાં નહીં પરંતુ આખા ગામના ખેતરોમાં આ સમસ્યા જોવા મળી હતી. આથી ગામના પ્રગતિશીલ ખેડૂતો અને આગેવાન વિઠલભાઈ સખીયા અને રમેશભાઈ ત્રાળા દ્વારા કૃષિ યુનિવર્સીટીને જાણ કરી હતી. આથી જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો.વી.પી. ચોવટિયાએે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ,જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. કે. પી. બારૈયા, સંશોધન વૈજ્ઞાનિક (મગફળી) ડો. એન. ડી. ઢોલરીયા, સહ-પ્રાધ્યાપક, ડો. એમ. કે. ઘેલાણી તથા ડો. જે. આર. તળાવીયા અને અન્ય વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોને સ્થળ પર  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેડૂત તાલીમનું આયોજન કરી આશરે ૧૦૦ જેટલા ખેડૂત મિત્રોને તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, પાક વ્યવસ્થાપન, જીવાત-રોગ નિયંત્રણ તથા પોષણ વ્યવસ્થાપન વિષે ચર્ચા કરી ભવિષ્યમાં આ પ્રશ્ર્ન ન ઉદ્ભવે તે માટે લેવાના થતા આગમચેતીના પગલા અંગે માહીતી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application