દ્વારકાના જગતમંદિર-જામનગરની જિલ્લા જેલ સહિત મંદિરોમાં સઘન ચેકિંગ
રાજયભરની જેલ, ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઇ-મેઇલથી ભારે દોડધામ મચી હતી, ચાર ધામ પૈકીનાં એક એવા જગતમંદિરમાં બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી તો બીજી તરફ જામનગર જીલ્લા જેલ ખાતે અને બાલા હનુમાન સહિતના મંદિરોમાં પોલીસ સહિતની ટુકડીઓ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યુ હતું, કલાકોની ચેકીંગ કાર્યવાહી બાદ કશુ વાંધાજનક નહીં મળતા પોલીસ તંત્ર સહિતનાઓએ રાહતનો દમ લીધો હતો.
ગુજરાત રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યની જેલોની સાથે ડીજીપી કચેરી અને વિવિધ મંદિરો સહિતનાં ધાર્મિક સ્થળોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે જામનગર પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં જામનગર પોલીસને સ્વતંત્ર રીતે તપાસ અને ચેકિંગ કરવા સૂચના મળતાં જ એસઓજી, એલસીબી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોર્ડ અને સીટી-એ ડિવિઝન પોલીસની ટીમો તાત્કાલિક કામે લાગી હતી.
સૌપ્રથમ જામનગરની જિલ્લા જેલમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં બોમ્બ સ્ક્વોડની ટીમની સાથે જેલ તંત્રના કર્મચારીઓ , એસઓજી સહિતની ટુકડીઓ જોડાઇ હતી. આશરે બે કલાક સુધી ચાલેલી તપાસ દરમિયાન જેલના વિવિધ વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.
બીજી તરફ, મંદિરો સહિતનાં ધાર્મિક સ્થળોને પણ ધમકી આપવામાં આવી હોવાથી જામનગર પોલીસ દ્વારા શહેરનાં મુખ્ય મંદિરોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. શહેરના બાલા હનુમાન, ભીડભંજન મહાદેવ મંદિરો, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર સહિતનાં ધાર્મિક સ્થળો અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું.