BREAKING NEWS

રાજકોટ ડિવિઝનમાં સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ: એક જ દિવસમાં 551 કેસમાંથી ₹5.29 લાખની આવક થઈ

  • August 31, 2026 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ડિવિઝનમાં સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ: એક જ દિવસમાં 551 કેસમાંથી ₹5.29 લાખની આવક થઈ

મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા પ્રોત્સાહિત કરવા, વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી પર અંકુશ લાવવા તથા રેલવે આવકનું નુકસાન રોકવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 30 ઓગસ્ટ, 2026ના રોજ એક દિવસીય સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના નેતૃત્વમાં આયોજિત આ વિશેષ ટિકિટ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત વંદે ભારત, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, પેસેન્જર અને મેઇલ/ઇન્ટરસિટી ટ્રેનો સહિત વિવિધ ટ્રેનોમાં વ્યાપક ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (ACM), ટિકિટ ચેકિંગ સ્ટાફ, કોમર્શિયલ ઈન્સ્પેક્ટર અને કોમર્શિયલ વિભાગના અન્ય કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

​રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ઝુંબેશ દરમિયાન વગર ટિકિટે મુસાફરી, ઉચ્ચ શ્રેણીમાં અનિયમિત મુસાફરી અને બુક કરાવ્યા વગરના સામાનના કેસો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ટિકિટ ચેકિંગ દરમિયાન કુલ 551 કેસ નોંધાયા હતા. જેમાં વગર ટિકિટે મુસાફરીના 342 કેસમાંથી ₹3,48,185, ઉચ્ચ શ્રેણીમાં અનિયમિત મુસાફરીના 206 કેસમાંથી ₹1,81,510 અને બુક કરાવ્યા વગરના સામાનના 3 કેસમાં ₹150ની આવક થઈ હતી. આમ, એક જ દિવસમાં કુલ 551 કેસમાંથી ₹5,29,845ની આવક પ્રાપ્ત થઈ હતી.

​રાજકોટ ડિવિઝન દ્વારા આયોજિત આ પ્રકારની સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશનો હેતુ અનિયમિત અને વગર ટિકિટે થતી મુસાફરી પર અસરકારક અંકુશ લાવવાની સાથે મુસાફરોમાં માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા અને રેલવેના નિયમોનું પાલન કરવા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આવા અભિયાનો દ્વારા રેલવે આવકની સુરક્ષા સાથે મુસાફરોમાં જવાબદાર અને શિસ્તબદ્ધ મુસાફરી સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રાજકોટ ના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ યોગ્ય ટિકિટ લઈને સન્માનપૂર્વક મુસાફરી કરે અને રેલવેના નિયમોનું પાલન કરે. મુસાફરોના સહયોગથી જ સુરક્ષિત અને શિસ્તબદ્ધ રેલ મુસાફરી સુનિશ્ચિત કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application