BREAKING NEWS

જામ્યુકોમાં સાગમટે ૩૦ અધિકારી,કર્મચારીઓની આંતરિક બદલી

  • August 05, 2026 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોમાં સાગમટે ૩૦ અધિકારી,કર્મચારીઓની આંતરિક બદલી

ગંજીફો ચીપાયો: ઘણાં સમયથી એક જ જગ્યા પર તથા સતાધીશો,નગરસેવકોની રજૂઆતો પ્રત્યે દુર્લક્ષની ફરિયાદો કારણભૂત હોવાની જોરશોરથી ચર્ચા

સીવીલ શાખાના કર્મીઓના ફકત ઝોન બદલાતા આશ્ર્ચર્ય: આસીસ્ટન્ટ લીગલ ઓફીસરને આરોગ્ય શાખા અને ઇન્ચાર્જ પીઆરઓને સોલીડ વેસ્ટ શાખામાં મૂકાયા

જામનગર મહાનગરપાલીકામાં સાગમટે ૩૦ અધિકારી અને કર્મચારીની આંતરિક બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. ઘણાં સમયથી એક જ જગ્યા પર તથા સતાધીશો, નગરસેવકોની રજૂઆતો પ્રત્યે દુર્લક્ષની ફરિયાદો આ બદલી પાછળ કારણભૂત હોવાની ચર્ચા મનપાના પટાંગણમાં જોરશોરથી ચાલી રહી છે. સીવીલ શાખાના કર્મીઓના ફકત ઝોન બદલાતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ પણ ઉઠ્યા છે. આસીસ્ટન્ટ લીગલ ઓફીસરને આરોગ્ય શાખા અને ઇન્ચાર્જ પીઆરઓને સોલીડ વેસ્ટ શાખામાં મૂકવામાં આવ્યા છે. 

જામનગર મહાનગરપાલીકામાં ઘણાં લાંબા સમય પછી ૩૦ અધિકારીઓ અને કર્મચારીઓની એકસાથે આંતરિક બદલી કરવામાં આવતા આ મુદો મનપાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મનપાના સામાન્ય વહીવટ વિભાગના તા.૪-૮-૨૦૨૬ના કાર્યાલય આદેશમાં મનપાના ખાતાના કામની જ‚રિયાત અને વહીવટી સરળતા માટે અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. બીજી બાજુ જે અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તે ઘણાં લાંબા સમયથી એક જ જગ્યા ૫ર ફરજ બજાવતા હોય તથા મનપાના સતાધીશો એટલે કે નગરસેવકોની રજૂઆતો પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય એટલે કે ટાળતા હોય આંતરીક બદલીનો સામૂહીક ગંજીફો ચીપવામાં આવ્યાની ચર્ચા પણ મનપાના પટાંગણમાં થઇ રહી છે. 

મનપાના જુદી-જુદી શાખામાં ફરજ બજાવતા ૩૦ અધિકારી અને કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા મુકેશભારથી ગોસાઇને એસ્ટેટ શાખાની કામગીરીમાંથી શ્રાવણી મેળા બાદ મુકત કરવામાં આવશે. ત્યારબાદ ટીપીડીપી શાખાની કામગીરી, ટીપી સ્કીમ બનાવવી, જુની ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટના કબ્જા સોંપવા, નવી તથા જુની ટીપી સ્કીમના પરામર્શ કરવા સહીત એસ્ટેટ શાખાનું રેકર્ડ મેનેજમેન્ટ, લીઝ પ્રકરણો અને સરકારી ખરાબા જે મહાનગરપાલીકા હસ્તકના છે તેનું રેકર્ડ નિભાવણીની કામગીરી ટીપીડીપી શાખા સાથે કરવાની રહેશે. સીકયોરીટી શાખામાં સીકયોરીટી ઓફીસર તરીકે ફરજ બજાવતા કમલેશ ગઢવીને મૂળ કામગીરી ઉપરાંત એસ્ટેટ શાખામાં દબાણ નીરીક્ષક કામગીરીનું મોનીટરીંગ અને સુપરવીઝન કરવાની તથા દબાણ દૂર કરવાની નોટીસ ઇસ્યુ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. 

તદઉપરાંત સીવીલ સેન્ટ્રોલ ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર હરેશ વાણીયાની સીવીલ નોર્થ ઝોન, સીવીલ નોર્થ અને ઇસ્ટ ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર દીપક શીંગાળાની સીવીલ સેન્ટ્રલ ઝોન તથા ઇસ્ટ ઝોન, સીવીલ ઇસ્ટ ઝોનના જુનીયર ઇજનેર હસમુખ નકુમની સીવીલ નોર્થ ઝોન, સીવીલ સેન્ટ્રલ ઝોનના જુનિયર ઇજનેર મીલન હાલપરાની સીવીલ સાઉથ ઝોન, સીવીલ વેસ્ટ ઝોનના જુનિયર એન્જીનીયર હીતેશ મકવાણાની સીવીલ નોર્થ ઝોન, સીવીલ નોર્થ ઝોનના જુનિયર એન્જીનીયર ગીરીશ રાઠોડની સીવીલ વેસ્ટ ઝોનમાં બદલી કરવામાં આવી છે.
​​​​​​​જયારે હાઉસ ટેકસ શાખાના આસી.લીગલ ઓફીસર અને ઇન્ચાર્જ ટેકસ ઓફીસર હસમુખ પાંડેરને ઇન્ચાર્જ ટેકસ ઓફીસરની જગ્યામાંથી મુકત કરી આરોગ્ય શાખામાં બદલી કરવામાં આવી છે. તદઉપરાંત તેને જન્મ મરણ શાખાનું મોનીટરીંગ અને સુપરવીઝન અને શાખાના કોર્ટ મેટર લગત તમામ કામગીરી કરવાની રહેશે. પીઆરઓ શાખાના ઓફીસ સુપ્રિટેડન્ટ અને ઇન્ચાર્જ પીઆરઓ ધર્મેશ જેઠવાને ઇન્ચાર્જ પીઆરઓની કામગીરીમાંથી મુકત કરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં બદલી કરવામાં આવી છે. તદઉપરાંત હાઉસ ટેકસ શાખાના ઇન્ચાર્જ ટેકસ સુપ્રીટેન્ડન્ટ(ટેકસ) અર્જુન વારસુરને ઇન્ચાર્જ ઓફીસ સુપ્રિટેન્ડન્ટ(ટેકસ)ના ચાર્જમાંથી મુકત કરી આસી.ટેકસ ઓફીસરની જગ્યાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

આટલું જ નહીં સીવીલ નોર્થ ઝોનના અધિક મદદનીશ ઇજનેર કૌશલ ચૌહાણને સીવીલ ઇસ્ટ ઝોન, કોન્ટ્રકટ બેઇઝ કર્મચારી સીવીલ ર્ઇસ્ટ ઝોનના વર્ક આસીસ્ટન્ટ તુષાર પરમારને સીવીલ નોર્થ ઝોન, સીવીલ સાઉથ ઝોનના વર્ક આસીસ્ટન્ટ હાર્દીક સોલંકીની સીવીલ ઇસ્ટ ઝોન, સીવીલ ઇસ્ટ ઝોનના વર્ક આસીસ્ટન્ટ શુભમ વેકરીયાની સીવીલ વેસ્ટ ઝોન, સીવીલ નોર્થ ઝોનના વર્ક આસી. વીજય સોલંકીની સીવીલ સાઉથ ઝોન, સીવીલ સાઉથ ઝોનના વર્ક આસી.કાનાણી અર્જુનની સીવીલ ઇસ્ટ ઝોન, સીવીલ ઇસ્ટ ઝોનના વર્ક આસી.મીરલ પરમારની સીવીલ નોર્થ ઝોન, સીવીલ નોર્થ ઝોનના વર્ક આસી.મનીષ ચૌહાણની સીવીલ ઇસ્ટ ઝોન, સીવીલ સાઉથ ઝોનના વર્ક આસી.નિર્સગ દવેની સીવીલ સેન્ટ્રલ ઝોન, સીવીલ સેન્ટ્રલ ઝોનના અ.મ.ઉ. જયદીપસિંહ ઝાલાની સીવીલ વેસ્ટ ઝોન, સીવીલ વેસ્ટ ઝોનના વર્ક આસી.અજય સાણથરાની સીવીલ ઇસ્ટ ઝોન, સીવીલ સેન્ટ્રેલ ઝોનના વર્ક આસી. વીવેક કનખરાની સીવીલ વેસ્ટ ઝોન, સીવીલ વેસ્ટ ઝોનના વર્ક આસી.અશ્ર્વીન ગોજીયાની સીવીલ નોર્થ ઝોન, સીવીલ ઇસ્ટ ઝોનના વર્ક આસી.અનીલ બોદરની સીવીલ વેસ્ટ ઝોન, સીવીલ સેન્ટ્રલ ઝોનના અ.મ.ઇ. મનદીપસિંહ સોલંકીની સીવીલ વેસ્ટ ઝોન, સીવીલ વેસ્ટ ઝોનના વર્ક આસી. સતીષ કણઝારીયાની સીવીલ સેન્ટ્રલ ઝોન, વોટર વર્કસ શાખાના વર્ક આસી.સાગર તાળાની સીવીલ સેન્ટ્રલ ઝોન, ભૂગર્ભ શાખાના સીનીયર કલાર્ક જય પુરોહીતની ટીપીઓ શાખા અને ટીપીઓ શાખાના સીનીયર કલાર્ક નીદીત માંડલીયાના ભૂગર્ભ ગટર શાખામાં બદલી કરવામાં આવી છે. જે અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે તે તમામે આ આદેશને રીલીવ ઓર્ડર ગણી તાત્કાલીક પોતાની બદલીવાળા સ્થળે હાજર થઇ રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આંતરિક બદલીઓમાં સીવીલ શાખાના કર્મચારીઓના ફકત ઝોન બદલવામાં આવતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ તથા ચર્ચાઓએ જોર પકડયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application