↵જામનગરના પરાગ વોરાની ઇવેન્ટ કંપનીને આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ
મેવાડના લખ્યારાજ સિંઘજી, બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તથા વિક્રાંત મેસ્સીના હસ્તે એવોર્ડ એનાયત
જામનગરની અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઈ-૯ ઈવેન્ટએ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત EMF Global ACE ૨૦૨૬ એવોર્ડ્સમાં કંપનીએ એકસાથે પાંચ એવોર્ડ્સ પ્રાપ્ત કરીને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નવી સિદ્ધિ નોંધાવી છે.
ઈ-૯ ઈવેન્ટને બેસ્ટ પ્રોડક્શન હાઉસ,બેસ્ટ વેડિંગ,બેસ્ટ ડ્રોન શો,બેસ્ટ ડિઝાઈન, બેસ્ટ ૩ડી ડિઝાઈનર જેવા પ્રતિષ્ઠિત કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રતિષ્ઠિત સન્માન મેવાડના એચએચ શ્રીજી હુજુર લખ્યારાજ સિંઘજી તથા બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને સ્ટાઇલ આઇકન વિક્રાંત મેસ્સી ના હસ્તે પ્રાપ્ત કરવાનું ગૌરવ કંપની માટે જીવનની યાદગાર ક્ષણ બની રહ્યું.
આ અવસરે ઈ-૯ ઈવેન્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ પાંચ એવોર્ડ માત્ર અમારી કંપની માટેનું સન્માન નથી, પરંતુ અમારા દરેક ક્લાયન્ટના વિશ્વાસ, સમગ્ર ટીમના અવિરત પરિશ્રમ, સર્જનાત્મકતા અને અમારા તમામ સહયોગીઓના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ અમને ભવિષ્યમાં વધુ ભવ્ય અને વિશ્વસ્તરીય ઇવેન્ટ્સ સર્જવા માટે નવી પ્રેરણા આપશે.
ઉલ્લેખનીય છે કે ઈ-૯ ઇવેન્ટ છેલ્લા અનેક વર્ષોથી દેશ-વિદેશમાં ભવ્ય કોર્પોરેટ ઇવેન્ટ્સ, ડેસ્ટિનેશન વેડિંગ્સ, મેગા પ્રોડક્શન, ડ્રોન શોઝ તથા ક્રિએટિવ ડિઝાઇન માટે વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રાપ્ત થયેલા આ પાંચ એવોર્ડ્સ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ જામનગર અને સમગ્ર પંથક માટે ગૌરવની ક્ષણ છે.