BREAKING NEWS

ઇસરો રોબોટિક્સ ચેલેન્જમાં જામનગરના યુવાનોનો મહત્વપૂર્ણ ફાળો

  • September 11, 2026 04:21 PM 

ઇસરો રોબોટિક્સ ચેલેન્જમાં જામનગરના યુવાનોનો મહત્વપૂર્ણ ફાળો 

શહેરના દેવર્ષિ ફલિયા અને માનવ પટેલએ રોબોટિક સિસ્ટમની ડિઝાઇન, વિકાસ અને પરીક્ષણની જવાબદારી સંભાળી હતી

જામનગરના દેવર્ષિ ફલિયા અને માનવ પટેલે નિરમા યુનિવર્સિટીની ટીમ એરોને ઇસરો રોબોટિક્સ ચેલેન્જયુઆરસી ૨૦૨૬માં રાષ્ટ્રીય ચેમ્પિયન બનવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા તેના યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર, બેંગલુરુ ખાતે તાજેતરમાં આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓની ૫૯૦ ટીમોએ તેમાં ભાગ લીધો હતો. વિવિધ મૂલ્યાંકન તબક્કા બાદ ૨૦ ટીમો ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ થઈ હતી, જેમાં નિરમા યુનિવર્સિટીની ટીમ એરોનો સમાવેશ થયો હતો.

દેવર્ષિ ફલિયા અને માનવ પટેલ ૧૩ સભ્યોની બહુવિધ શાખાઓની ટીમનો ભાગ હતા. ટીમે સ્વાયત્ત હવાઈ રોબોટિક સિસ્ટમની ડિઝાઇન, વિકાસ અને પરીક્ષણની જવાબદારી સંભાળી હતી. માનવ પટેલ ટીમ એરોના કેપ્ટન તરીકે કાર્યરત હતા, જ્યારે દેવર્ષિ ફલિયાએ ડિઝાઇન અને એનાલિસિસ લીડ તરીકે જવાબદારી નિભાવી હતી.

ટીમ એરોએ ગ્રહ સંશોધન મિશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અછઠ૫૦૦ગ નામનો સ્વાયત્ત ડ્રોન વિકસાવ્યો હતો. અંદાજે ચાર મહિનામાં તૈયાર કરાયેલા આ ડ્રોનના વિકાસ પાછળ લગભગ રૂ. ૧.૫ લાખનો ખર્ચ થયો હતો.
ડ્રોનમાં ૩-ડી પ્રિન્ટેડ કાર્બન-ફાઇબરના ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનું કુલ વજન આશરે ૧.૪૩ કિલોગ્રામ રાખવામાં આવ્યું હતું. ટીમે ડિઝાઇન, એનાલિસિસ, પ્રોટોટાઇપિંગ, ટેસ્ટિંગ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશનના અનેક તબક્કા પૂર્ણ કર્યા બાદ અંતિમ મોડલ તૈયાર કર્યું હતું.

માનવ પટેલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની ટીમનું સંકલન કર્યું હતું. દેવર્ષિ ફલિયાએ એરિયલ પ્લેટફોર્મની સ્ટ્રક્ચરલ અને મિકેનિકલ ડિઝાઇન, એનાલિસિસ અને ઓપ્ટિમાઇઝેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સ્પર્ધામાં ટીમોએ એવો એરિયલ રોબોટિક સિસ્ટમ વિકસાવવાનો હતો, જે ગ્રહ સંશોધન મિશન સ્વાયત્ત રીતે પૂર્ણ કરી શકે. ડ્રોને સ્વતંત્ર રીતે ઉડાન ભરવી, જીપીએસ વિનાના વાતાવરણમાં નેવિગેશન કરવું, નિર્ધારિત લક્ષ્યોને શોધી કાઢવા, સ્વાયત્ત ચાર્જિંગ ડોક પર ચોકસાઈપૂર્વક લેન્ડિંગ કરવું, માનવ હસ્તક્ષેપ વિના ચાર્જિંગ કરવું, બેઝ સ્ટેશનને ડેટા મોકલવો અને ફરી મિશન શરૂ કરવાનું હતું.

આ મિશનમાં કમ્પ્યુટર વિઝન, ઇમેજ પ્રોસેસિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સ્વાયત્ત નેવિગેશન અને ઇન્ટેલિજન્ટ ડિસિઝન-મેકિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાઇનલ મિશન પૂર્ણ કરવા માટે ટીમોને મહત્તમ ૪૫ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. ટીમ એરોએ પોતાનું મિશન અંદાજે ચાર મિનિટમાં પૂર્ણ કરી સિસ્ટમની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા સાબિત કરી હતી.

ઈંછજ્ઞઈ-ઞ ૨૦૨૬ના પરિણામોની જાહેરાત ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમદાવાદમાં ત્રીજા નેશનલ સ્પેસ ડેની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી. ટીમ એરોએ પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો અને રૂ. ૧૦ લાખનો રોકડ પુરસ્કાર જીત્યો હતો. પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, ઇસરોના અધ્યક્ષ ડો. વી. નારાયણન, ઇસરોના વિવિધ કેન્દ્રોના ડિરેક્ટરો તેમજ ગ્રુપ કેપ્ટન અને ગગનયાત્રી અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

નિરમા યુનિવર્સિટી માટે રોબોટિક્સ, સ્વાયત્ત સિસ્ટમ્સ, એરોસ્પેસ એન્જિનિયરિંગ અને આંતરવિષયક નવીનતાના ક્ષેત્રમાં આ સિદ્ધિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જામનગર માટે પણ આ ગૌરવની ક્ષણ છે, કારણ કે દેવર્ષિ ફલિયા અને માનવ પટેલ દેશભરની સેંકડો ટીમો વચ્ચે ટોચનું સ્થાન મેળવનારી ટીમનો ભાગ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application