જામ્યુકોની સામાન્ય સભા બુધવારે મળશે, ગણ્યાગાંઠયા ફકત ૩ એજન્ડા..!
જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભા બુધવારે મળશે. દર વખતની જેમ આ સામાન્ય સભામાં પણ ગણ્યા ગાંઠયા ફકત ૩ એજન્ડા છે. જેમાં પેન્શન, શાળાનું નવ નિર્માણ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝની દરખાસ્તનો સમાવેશ થાય છે. સામાન્ય સભાના એજન્ડા પરથી તો શહેર જાણે તમામ સમસ્યાઓથી મુકત થયું હોય તેવું આભાસી ચિત્ર ઉપસી રહ્યું છે.
જામનગરમાં વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ શહેરીજનો ટ્રાફીક, રોગચાળો, ગંદકી, ભૂગર્ભ ગટર ઉભરાવી, સ્ટ્રીટ લાઇટ, પાણીમાં ધાંધિયા, રખડતા ઢોર અને કૂતરા સહીતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ કયારે આવશે તે તો ભગવાન જાણે તેવી સ્થિતિ શહેરમાં પ્રર્વતી રહી છે. કારણ કે, આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો જ નથી. ઉલ્ટાની દીન-પ્રતીદીન આ સમસ્યા વધતી જાય છે. આ સ્થિતિમાં આ સમસ્યાના નિરાકરણની જવાબદારી જેમના શીરે છે તે મહાપાલીકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાના દાવા કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં સામાન્ય સભામાં પણ આ સમસ્યાના નિરાકરણ માટેના એજન્ડાનો સમાવેશ ભાગ્યે જ થતો જોવા મળે છે. અત્રે નોંધનીય છે કે, જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભા દર બે મહીને એક વખત મળે છે.
જામ્યુકોની સામાન્ય સભા તા.૨૮ ને બુધવારે સવારે ૧૧.૩૦ કલાકે અટલ બીહારી વાજપેયી સભાગૃહમાં મળશે. જેમાં મહત્વના ફકત ૩ એજન્ડાનો સમાવેશ કરાયો છે. જેમાં સ્ટેન્ડીંગ કમીટી ઠરાવની ભલામણ અનુસાર ગુજરાત રાજય સેવા (પેન્શન)નિયમો-૨૦૦૨ અન્વયે મહાનગરપાલીકાના સેવા પેન્શન મેળવતા પેશન્રોનું મૃત્યુ થયે પેન્શનની ઉચ્ચક રકમ ચૂકવવા, મનપા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક શાળા નં.૪૨ના આધુનીક શાળા નવનિર્માણ કરવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ-૨૦૨૬ની દરખાસ્તનો સમાવેશ થાય છે. આમ સામાન્ય સભાના એજન્ડા પરથી તો શહેર જાણે તમામ સમસ્યાઓથી મુકત થયું હોય તેવું આભાસી ચિત્ર ઉપસી રહ્યું છે.