BREAKING NEWS

દ્વારકા: રાવલ, લાંબામાં દાગીના સાફ કરી આપવાના નામે ગઠિયાઓ સાચું સોનુ ધોઈ ગયા..!

  • August 28, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: રાવલ, લાંબામાં દાગીના સાફ કરી આપવાના નામે ગઠિયાઓ સાચું સોનુ ધોઈ ગયા..!

બે આસામીઓ સાથે રૂ. ૮૨,૦૦૦ ની છેતરપિંડી થયાની ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ ગામે રહેતા બે આસામીઓના ઘરે આવેલા અજાણ્યા શખ્સોએ સોનાના દાગીના સાફ કરી આપવાનું કહી, આ દાગીનામાંથી આશરે ૨૩ ગ્રામ જેટલું સોનુ કાઢી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અરજણભાઈ નાથાભાઈ ગોહેલ નામના ૭૦ વર્ષના પ્રજાપતિ વૃદ્ધના ઘરમાં ગત તારીખ ૧૭ ઓગસ્ટના રોજ બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે અરજણભાઈ ગોહેલને વિશ્વાસમાં લઈ તેમના પત્નીએ પહેરેલી બે બંગડીઓ ધોઈને સાફ કરી આપવાનું જણાવ્યું હતું. તેની વાતોમાં આવીને ઉપરોક્ત આસામીએ દાગીના સાફ કરવા આપતા આ અજાણ્યા ગઠિયાઓએ કોઈ કેમિકલ વડે દાગીના ધોઈ, તેમાંથી રૂપિયા ૪૭,૦૦૦ જેટલી કિંમતનું ૧૬.૮૮ ગ્રામ સોનુ કાઢી લીધું હોવાનું જાહેર થયું છે.

અન્ય એક બનાવમાં તારીખ ૨૨ ઓગસ્ટના રોજ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાણાભાઈ લખમણભાઈ સોલંકી નામના ૫૦ વર્ષના એક આસામીના ઘરે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમના ધર્મપત્નીએ ગળામાં પહેરેલા સોનાના આશરે ૨૫ ગ્રામ જેટલા વજનના સોનાના ચેનને ધોવાના બહાને તેમાંથી કોઈ કેમિકલ મારફતે રૂપિયા ૩૫,૦૦૦ ની કિંમતનું ૬ ગ્રામ સોનું મેળવી લીધું હોવાનું રાણાભાઈ સોલંકીની ફરિયાદમાં જાહેર થયું છે.
​​​​​​​
આમ લાંબા અને રાવલ ગામના બે આસામીઓ સાથે સોનાના દાગીના સાફ કરી આપવાના બહાને કુલ રૂપિયા ૮૨,૦૦૦ ની કિંમતની સોનું મેળવી લેતા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકના ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ.ની કલમ ૩૧૬ (૨), ૫૪ મુજબ ગુનો નોંધી આરોપી ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application