BREAKING NEWS

જામ્યુકોની કચેરી કે કબાડીખાનું, આસી.કમિશ્ર્નરના પરિપત્રનો ઉલાળિયો..!

  • October 02, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની કચેરી કે કબાડીખાનું, આસી.કમિશ્ર્નરના પરિપત્રનો ઉલાળિયો..!

​​​​​​​સફાઇ અને સ્વચ્છતાના હીમાયતી મહાત્મા ગાંધીજીની આજે જન્મજંયતિ છે. પરંતુ જામનગર મહાનગરપાલીકાની કચેરી કબાડીખાનું બની હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. નવાઇની વાત તો એ છે કે, મનપાના આસીસ્ટન્ટ કમિશ્ર્નર(વહીવટ)એ તમામ શાખાઓને બિનપયોગી ભંગાર નિકાલ અઢી મહીના પૂર્વે કરવામાં આવેલા પરિપત્રનો ઉલાળીયો કરવામાં આવ્યો છે. કારણ કે, મનપાની કચેરીમાં જુદી-જુદી શાખાઓએ નિકાલ કરેલો ભંગાર હજુ લોબીમાં જેમને તેમ પડયો છે.દુ:ખની વાત તો એ છે કે, શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમના શીરે છે તે મનપાની કચેરીમાં ઠેર-ઠેર પાનની પીચકારી સહીતની ગંદકી ઉડીને આંખે વળગતા આબ‚નું ધોવાણ થઇ રહ્યું છે. પટાંગણમાં દવાનો છંટકાવ પરંતુ કચેરીની અંદર આવેલા શૌચાલયોમાંથી તીવ્ર  દુર્ગંધ આવતા સફાઇની કામગીરી સામે અણીયારા સવાલ ઉઠ્યા છે. શાખાઓમાં રેકર્ડના અસ્તવ્યસ્ત પોટલાથી ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સતાધીશો અને અધિકારીઓ મનપાની કચેરીમાં પ્રર્વતી રહેલી આ સમસ્યા પ્રત્યે ઘ્યાન આપશે કે પછી આંખ આડા કાન કરશે તે જોવાનુું રહ્યું.

જામનગરને કચરામુકત શહેર બનાવવા મહાનગપાલીકા દ્વારા ખાસ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાત્રીના ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે ખૂબજ સારી અને આવકારદાયક બાબત છે. પરંતુ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જેમના શીરે છે તે મહાનગરપાલીકાની કચેરી ગોબરી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, મનપાની કચેરીમાં સ્વચ્છતા જળવાય અને ગંદકી ન થાય તે માટે ખુદ મહાનગરપાલીના આસીસ્ટન્ટ કમિશ્ર્નર(વહીવટે) ગત તા. ૨૦-૭-૨૦૨૬ના મનપાની તમામ શાખાઓને ભંગાર નિકાલ માટે ખાસ પરિપત્ર કર્યો હતો. આ પરિપત્રમાં જણાવ્યાનુસાર મનપાની તમામ શાખાઓમાં ભંગાર જેવા કે તૂટેલા ટેબલ, ખુરશી, લોખંડના કબાટ,રીવોલ્વીંગ ચેર, સાદા લાકડા, એલ્યુમીનીયમ, ગેલ્વેનાઇઝ, પીતળ, પ્લાસ્ટીક,એક્રેલીક, ઇલેકટ્રીક, જુના ટાયર-ટયુબ, ન્યુઝ પેપર સહીતનો ભંગાર નિકાલ(વેચાણ)ની કામગીરી ચાલી રહી હોય પાંચ દીવસમાં નિકાલ કરવાની જવાબદારી જે તે બ્રાન્ચ અધિકારીની રહેેશે તેમ જણાવ્યું હતું. આટલું જ નહીં આ માટે સ્ટોર શાખા સાથે સંકલન કરી કામગીરીનો દૈનીક રિપોર્ટ અને મેઇનશાખાને ફોટોગ્રાફ સાથે મૂકવાનું રહેશે જેની ખાસ નોંધ લેવા સ્પષ્ટ જણાવ્યું હતું. 

પરંતુ મનપાની મોટાભાગની શાખાઓના બ્રાન્ચ અધિકારીઓએ ભંગાર નિકાલ એટલે કે વેંચાણ માટેની કામગીરીમાં ઘોર બેદરકારી અને ઉદાસીનતા દાખવી હોય  તેવી સ્થિતિ મનપાની કચેરીમાં પ્રર્વતી રહી છે .

કારણ કે, પરિપત્રને અઢી મહીના થયા બાદ પણ હજુ ભંગાર મનપાની કચેરીની લોબીમાં જેમ તે તેમ પડયો છે. આથી મનપાની કચેરીમાં આવતા અરજદારોમાં આ મહાનગરપાલીકાની કચેરી છે કે કબાડીખાનું તે સળગતો સવાલ ઉઠ્યો છે. એકબાજુ શહેરને કચરોમુકત બનાવવા મનપા દ્રાર ખાસ સફાઇ ઝુંબેશ શ‚ કરી શહેરમાં રાખવામાં આવેલી કચરાપેટીઓ ઉપાડી લેવામાં આવી છે. બીજી બાજુ મનપાની કચેરીમાં ઠેર ઠેર પાનની પિચકારી, ચાના કપ સહીતની ગંદકી ઉડીને આંખે વળગી રહી છે. મનપાની કચેરીમાં આવેલા શૌચાલયમાંથી તીવ્ર દુર્ગંધ આવતા અરજદારોની સાથે કર્મચારીઓ પણ ત્રાહીમામ પોકારી ગયા છે. 

શૌચાલય પાસે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. નવાઇની વાત તો એ છે કે મનપાની કચેરીના પટાંગણમાં રોજ દવાનો છંટકાવ કરી ચોખ્ખું ચણાંક રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ મનપાની કચેરીની અંદર બીનજ‚રી સામાન, શાખાઓમાં રેકર્ડના અસ્તવ્યસ્ત પોટલા તથા અન્ય ગંદકીથી  સફાઇ અને સ્વચ્છતાના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ સમસ્યા પ્રત્યે સતાધીશો અને અધિકારીઓ ઘ્યાન આપશે કે પછી આંખ આડા કાન કરશે તે જોવાનું રહ્યું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application