BREAKING NEWS

દ્વારકા જિલ્લાના લિસ્ટેડ ગુનેગારો-અસામાજિક તત્વોને ત્યાં પોલીસ અને પીજીવીસીએલનું સંયુક્ત મેગા ચેકિંગ

  • May 22, 2026 05:07 PM 

દ્વારકા જિલ્લાના લિસ્ટેડ ગુનેગારો-અસામાજિક તત્વોને ત્યાં પોલીસ અને પીજીવીસીએલનું સંયુક્ત મેગા ચેકિંગ

૨૭.૭૯ લાખનો વીજ ચોરીનો દંડ ફટકારી ૩૨ વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલની રાહબરીમાં એક ખૂબ જ કડક અને અભૂતપૂર્વ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ખંભાળીયા ડિવિઝન હેઠળ આવતા અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ બુટલેગરો, જુગારીઓ, હીસ્ટ્રીશીટરો, એમ.સી.આર, ટપોરીઓ તેમજ શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવ ધરાવતા અસામાજિક તત્વો અને શંકાસ્પદ ઈસમો પર સકંજો કસવા માટે પોલીસ તંત્ર દ્વારા એક વિશેષ યોજના બનાવવામાં આવી હતી. આ અસામાજિક તત્વોના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર વીજ જોડાણોની તપાસ કરવા માટે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને પોલીસ સ્ટેશન દીઠ અલગ-અલગ વિશેષ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી. આ સંયુક્ત ચેકિંગ ઝુંબેશ દરમિયાન ટીમો દ્વારા કુલ ૧૧૯ જેટલા ઈસમોના રહેણાક મકાનો અને સ્થળો પર દરોડા પાડી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સઘન ચેકિંગ દરમિયાન કુલ ૫૮ જેટલા ઈસમોને ત્યાં ખુલ્લેઆમ ગેરકાયદેસર વીજ કનેક્શનો ચાલતા હોવાનું માલુમ પડ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ તંત્ર દ્વારા કડક વલણ અપનાવીને કુલ રૂ.૨૭,૭૯,૦૦૦/- નો મસમોટો વીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્થળ પર જ તાત્કાલિક ધોરણે ૩૨ જેટલા વીજ જોડાણોને કટ કરી નાખી કાયદેસરની કડક કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી છે. પોલીસ સ્ટેશન વાઇઝ આ કામગીરીની વિગતો જોઈએ તો, ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩૫ ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા.

જ્યાં વીજ ચોરીના ૧૮ કેસો પકડી પાડી, ૨ વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા અને રૂ. ૫,૮૦,૦૦૦/- નો દંડ કરાયો હતો. ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩૩ ઈસમોને ત્યાં તપાસ કરતા વીજ ચોરીના ૧૧ કેસો મળી આવ્યા હતા અને રૂ.૭,૫૪,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩૭ ઈસમોને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સૌથી વધુ ૨૭ ગેરકાયદેસર વીજ કનેક્શનના કેસો શોધી કાઢી, તમામ ૨૭ વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા અને સૌથી વધુ રૂ.૧૩,૦૦,૦૦૦/- નો દંડ ફટકારાયો હતો. જ્યારે વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૪ ઈસમોને ચેક કરાતા વીજ ચોરીના ૩ કેસો સામે આવ્યા હતા, જેમાં ૪ વીજ જોડાણો કટ કરી રૂ. ૨,૪૫,૦૦૦/- નો દંડ વસૂલવાની તજવીજ કરાઈ હતી. 

આ સમગ્ર સફળ અને પ્રશંસનીય ઓપરેશનને સફળ બનાવવામાં ખંભાળીયાના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.રાણા, ભાણવડના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.કરપડા, સલાયા મરીનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ચાવડા, વાડીનાર મરીનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.સુવા તેમજ જે-તે પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરો, પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓએ સાથે મળીને સરાહનીય ફરજ બજાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News