↵ખંભાળિયાની અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું
આજકાલ પ્રતિનિધિ
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘરકામના મુદ્દે થતા કંકાસ, પતિની નશાની લત અને વારંવારની મારપીટથી માનસિક તણાવનો સામનો કરી રહેલી એક પરિણીતાને ખંભાળિયાની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મદદ પૂરી પાડી હતી. ટીમે સ્થળ પર પહોંચી પતિ-પત્ની નું કાઉન્સેલિંગ કરી બંને વચ્ચે સમજણ કેળવતાં તણાવપૂર્ણ બનેલા દાંપત્ય જીવનમાં સમાધાનનો માર્ગ ખોલ્યો હતો. પતિએ પોતાની ભૂલનો અહેસાસ વ્યક્ત કરી ભવિષ્યમાં ઝઘડો કે મારપીટ નહીં થાય તેવી ખાતરી આપતાં મહિલાને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
મહિલાઓની સુરક્ષા, સન્માન અને મુશ્કેલીના સમયે મદદ માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓને કપરા સંજોગોમાં સહાય પૂરી પાડી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામમાં રહેતી પરિણીતાએ ઘરેલું ત્રાસથી કંટાળીને આ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.
મળતી વિગતો મુજબ, પરિણીતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને જણાવ્યું હતું કે તેનો પતિ ઘરકામની બાબતે વારંવાર માનસિક ત્રાસ આપતો હતો અને નશાની હાલતમાં તેની સાથે મારપીટ પણ કરતો હતો. સતત ચાલતા ઘરકંકાસને કારણે મહિલા માનસિક રીતે વ્યથિત થઈ ગઈ હતી. પરિસ્થિતિમાં સુધારો આવે અને પતિને સમજાવવામાં આવે તે હેતુથી તેણે અભયમ ટીમની મદદ માગી હતી.
મહિલાએ ટીમને જણાવ્યું હતું કે પરિવારની આવક પૂરતી ન હોવાથી તે પોતે પણ મજૂરીકામ કરીને પરિવારને આર્થિક ટેકો પૂરો પાડે છે. જોકે, મજૂરીએ જવાના કારણે તેને ઘરકામ માટે પૂરતો સમય ફાળવવામાં મુશ્કેલી પડતી હતી. આ બાબતને લઈને પતિ સાથે વારંવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, કેટલીક વખત પતિ નશો કરીને મારપીટ પણ કરતો હતો, જેના કારણે તેની માનસિક સ્થિતિ પર અસર પડી હતી.
મહિલાની ફરિયાદ મળતાં જ ખંભાળિયાની ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહિલા પોલીસકર્મી લક્ષ્મીબેન મોરી અને પાયલોટ નયનભાઈ ભરવાડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોં
ત્યારબાદ સ્થળ પર હાજર પતિને પણ સમજાવવામાં આવ્યો હતો. ટીમે સ્પષ્ટ કર્યું હતું કે ઘરકામ જેવી બાબતોને લઈને ઝઘડો કરવો કે મારપીટ કરવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. પરિવારની જવાબદારી માત્ર પત્નીની જ નહીં, પરંતુ પતિ સહિત પરિવારના દરેક સભ્યની છે. પત્ની પરિવારને આર્થિક રીતે સહયોગ આપતી હોય ત્યારે પતિએ પણ ઘરકામમાં સહભાગી બની પરસ્પર સમજણથી જવાબદારીઓ નિભાવવી જોઈએ તેવી સમજ આપવામાં આવી હતી.
અભયમ ટીમે પતિ-પત્ની બંનેનું યોગ્ય પરામર્શ કરી તેમને પારિવારિક જીવનમાં સંવાદ, સહકાર અને પરસ્પર સન્માનનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત, ઘરેલું હિંસા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપી પતિને તેની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓનું ભાન કરાવવામાં આવ્યું હતું.
ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલનો અહેસાસ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં ફરી ઝઘડા કે મારપીટ ન થાય તે માટે ખાતરી આપી હતી. પરિણીતાએ પણ તે સમયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ઇચ્છા ન દર્શાવતાં ટીમે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.