BREAKING NEWS

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કર્મીઓનું કાલથી અનશન

  • October 20, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કર્મીઓનું કાલથી અનશન 



ખંભાળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ બુધવાર તા. ૨૧ ઓક્ટોબરથી ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન પર જનાર છે. આજથી આશરે બે વર્ષ પૂર્વે નવા સફાઈ કામદારોની ભરતી સહિતના પ્રશ્ને જે-તે સમયે થયેલા સમાધાનનો અમલ ન થતા સફાઈ કામદારો દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. 

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોએ આજથી આશરે બે વર્ષ પૂર્વે નગરપાલિકા તંત્ર સામે ઉપવાસ આંદોલન કર્યું હતું. જે-તે સમયે સફાઈ કર્મીઓની માંગણી મુજબ નગરપાલિકામાં નવા રોજમદાર સફાઈ કામદારોની ભરતી કરવા તેમજ તેઓને મળવાપાત્ર લાભ આપવા વિગેરે મુદ્દે ૧૮ દિવસ સુધી હડતાલ કરવામાં આવી હતી. આ પછી જે-તે સમયે નગરપાલિકાના તત્કાલીન રિજ્યોનલ કમિશનર અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સફાઈ કામદારના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે અને તે વખતે ઇન્ડસ્ટ્રીઝ ડિસ્પ્યુટ એક્ટ ૧૯૪૭ ની કલમ હેઠળ હડતાલના સમાધાન કરાર કરવામાં આવ્યા હતા.

આશરે બે વર્ષ પછી આજે પણ ઉપરોક્ત કરારની અમલવારી થઈ નથી. જેથી તેઓ પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની અનુભૂતિ કરી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. હાલ ખંભાળિયા નગરપાલિકા સી વર્ગમાંથી એ વર્ગની બની છે અને શહેરનો વ્યાપ અને વિસ્તાર પણ વધ્યો છે. પરંતુ નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓમાં વધારો ન થતા આ મુદ્દે તાલુકાના સફાઈ કર્મીઓ પુન: એક વખત બુધવાર તા. ૨૧ ઓક્ટોબરથી નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન પર જઈ રહ્યા હોવાનું ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application