BREAKING NEWS

દ્વારકા જિલ્લાના બરડા ડુંગરે બિરાજતા કિલેશ્ર્વર મહાદેવે ભક્તોનું ઘોડાપુર

  • August 27, 2026 12:00 PM 

દ્વારકા જિલ્લાના બરડા ડુંગરે બિરાજતા કિલેશ્ર્વર મહાદેવે ભક્તોનું ઘોડાપુર

જ્યાં પ્રકૃતિ પોતે કરે છે મહાદેવનો અભિષેક, કુદરતના ખોળે ગૂંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ: વન્યજીવોના હિતાર્થે ૪ વાગ્યા પછી પ્રવેશબંધી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક પ્રકૃતિના અદભુત ખોળે વિસ્તરેલી બરડા ડુંગરની પવિત્ર ગિરિમાળાઓ શ્રાવણ માસના પાવન અવસરે શિવભક્તિના અનોખા રંગમાં રંગાઈ ગઈ છે. શાંત, રમણીય અને લીલીછમ વનરાજીથી ઘેરાયેલા આ દિવ્ય પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજમાન શ્રી કીલેશ્વર મહાદેવના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ચારેય તરફ ગૂંજતો હર હર ભોલે અને ઓમ નમ: શિવાયનો દિવ્ય નાદ સમગ્ર વનપ્રદેશને આધ્યાત્મિક ઊર્જાથી ભરી રહ્યો છે.

બરડા ડુંગરની રમણીય પ્રકૃતિ અને અહીં વહેતી પવિત્ર કીલ ગંગા આ ધામને અલૌકિક સુંદરતા પ્રદાન કરે છે. દર વર્ષે શ્રદ્ધાળુઓ અહીં કીલ ગંગાના પવિત્ર નીરમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે. જોકે, ચાલુ વર્ષે મેઘરાજાની કૃપા ઓછી રહેતા કીલ ગંગામાં જળપ્રવાહ મર્યાદિત બન્યો છે, જેનાથી ભક્તોમાં થોડો વસવસો જોવા મળી રહ્યો છે. આમ છતાં, ભોળાનાથ પ્રત્યેની અડગ શ્રદ્ધા આગળ કુદરતી પરિસ્થિતિ ગૌણ બની છે અને ભક્તો બરડા ડુંગરના અપ્રતિમ સૌંદર્ય અને મહાદેવના દર્શનનો લ્હાવો લેવા ઉત્સાહભેર પહોંચી રહ્યા છે.

પ્રકૃતિ એ સાક્ષાત પરમાત્માનું જ સ્વ‚પ છે, તેથી આ પવિત્ર તપોભૂમિ, વનસ્પતિ અને ગિરિમાળામાં વસતા મૂંગા પશુ-પક્ષીઓના સંરક્ષણ કાજે વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ અને શિવધામની પવિત્રતા અકબંધ રહે તે માટે તમામ દર્શનાર્થીઓને પર્યાવરણની જાળવણીમાં સહયોગ આપવા હૃદયપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે.

દૂર-સુદૂરથી પધારતા તમામ શ્રદ્ધાળુઓ માટે વન વિભાગ દ્વારા એક વિશેષ અને મહત્વપૂર્ણ સૂચના પણ જારી કરવામાં આવી છે. બરડા ડુંગર વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા અને સાંજના સમયે તેમની કુદરતી અવરજવરને ધ્યાનમાં રાખીને તળેટીની ચેકપોસ્ટ પરથી બપોરે ૪ વાગ્યા બાદ આગળનો પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે. તેથી મહાદેવના દર્શને આવતા તમામ ભક્તજનો સમયસર પહોંચી દર્શનનો લાભ લે અને વન વિભાગના નિયમોનું પાલન કરી પ્રકૃતિ તેમજ વન્યજીવોના જતનમાં સહભાગી બને તે અત્યંત જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application