BREAKING NEWS

ભારતી આશ્રમના લઘુ મહંત જંગલમાંથી બેભાન હાલતમાં મળ્યા, હોસ્પિટલ ખસેડાયા, આખું શરીર ધ્રુજતું જોવા મળ્યું

  • November 05, 2025 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ શનિવારે મધ રાત્રે સુસાઇડ નોટ લખી એકા એક ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ, વન અને એસડીઆરએફ સહિતની ટીમ દ્વારા જંગલ વિસ્તારમાં તેની શોધખોળ શરૂ કરી હતી. આજે સવારે ગુમ થયાના અઢી દિવસ બાદ મહાદેવ ભારતી બાપુ ઇંટવા ઘોડી વિસ્તારથી બેભાન હાલતમાં મળી આવ્યા છે. તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા છે. બાપુ નબળાઈના કારણે બેભાન થયા કે અન્ય કોઈ કારણ છે તે અંગે મોનિટરિંગ થઈ રહ્યું છે અને ભાનમાં આવ્યા બાદ શા કારણે ગુમ થયા તે અંગે પૂછપરછ બાદ જ સાચા કારણ અંગે ભેદ ઉકેલાશે. લઘુ મહંત મળી આવતા સંતો મહંતો ભારતી આશ્રમ પરિવાર અને સેવકો તથા તપાસમાં જોડાયેલી ટીમોએ રાહતનો શ્વાસ લીધો છે.


શનિવારે મધરાત્રે અચાનક આશ્રમમાંથી જતા રહ્યા હતા

જુનાગઢ પરિક્રમા વિધિવત શરૂ થાય તે પૂર્વે જ શનિવારે મધરાત્રે ભારતી આશ્રમ ના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ એકાએક આશ્રમમાંથી ચાલ્યા ગયા હતા. પાંચ પેજની સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં માનસિક ત્રાસ સહિતની અનેક બાબતોનો ઉલ્લેખ થયો હતો. તેમજ પાંચ શખ્સોના નામ પણ આપ્યા હતા. જોકે સુસાઇડ નોટ અને બાપુના એકાએ ગુમ થયા બાદ સીસીટીવી ફૂટેજમાં આશ્રમથી જંગલ તરફ જતા હોવાના દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા જેથી પોલીસ દ્વારા જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. આજે પરિક્રમા ટ્રાફિક પૂર્ણ થતા ભવનાથ તળેટીમાં પોલીસ તંત્ર દ્વારા મેગા ચેકિંગ ઝુંબેશ શરૂ કર્યું હતું. ઝુંબેશમાં એસ.પી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, ભવનાથ પીઆઈ હુમ્બલ, સી ડિવિઝન પીઆઇ સાવજ, ઉપરાંત એલસીબી અને એસઓજી પીઆઈ પટેલ સહિતની ટીમ સાથે એસડીઆરએફ ની ટીમ પણ જોડાઈ હતી.૨૪૦ પોલીસ કર્મીઓ, ૩૦ કર્મચારીઓ અને એસડીઆરએફ સહિત ૩૦૦ થી વધુ કર્મચારીઓએ વોકીટોકી અને, દૂરબીન તથા ડોગ સ્કવોઙ ની ટીમને જંગલ વિસ્તારના વિવિધ પોઇન્ટ પર તપાસ અર્થે મોકલી હતી. 


અગાઉ જટાશકંરે હોવાનો ફોન આવ્યો હતો

અગાઉ મહાદેવ ભારતી બાપુનો જટાશંકર હોવાનો ફોન આવ્યો હતો. જેથી પોલીસની વીવીધ ટીમો દ્વારા જટાશંકરથી તપાસનો પ્રારંભ થયો હતો. અંદાજિત ૧૦ થી ૧૨ વખત જટાશંકરના પોઇન્ટ પર તપાસ કરી હતી. આ ઉપરાંત જાંબુડા વિસ્તાર, વેલનાથ, નખલી કેડી, સહિતના અનેક પોઇન્ટ પર તપાસ કરી હતી. આજે સવારે ઈંટવા ઘોડી વિસ્તારમાંથી બેભાન હાલતમાં બાપુ મળી આવ્યા હતા. પોલીસ અન વન કરમી ઓએ તાત્કાલિક ૧૦૮ ની મદદથી બેભાન મહાદેવ ભારતીબાપુને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા.  જ્યાં તેઓને આરએમઓ કુબાવતના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. 


નબળાઈના કારણે બેભાન થયા

પ્રાથમિક તબક્કે નબળાઈના કારણે બેભાન થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુસાઇડ નોટ લખી હતી, જેથી બેભાન થવાનું કોઈ અન્ય કારણ છે કે કેમ તે અંગે પણ વિવિધ મેડિકલ રિપોર્ટ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે. બાપુની મળી આવવાના સમાચાર મળતા સેવકો અને ભારતી આશ્રમની ટીમ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી છે. જોકે ગુમ થયાના અઢી દિવસ બાદ બાપુ મળી આવતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ શા કારણે ગુમ થયા તે અંગે તો બાપુ ભાનમાં આવ્યા બાદ પૂછપરછ બાદ તેનો કોયડો ઉકેલાશે. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કે તો બાપુ ની સ્વસ્થ તબિયત થઈ જાય ત્યારબાદ જ તમામ નિવેદન લેવામાં આવશે અને સુસાઇડ નોટ સહિતની વિગતો અંગે પૂછપરછ હાથ ધરાશે. બાપુ મળી આવ્યા પરંતુ શા કારણે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application