BREAKING NEWS

બેટ દ્વારકાના સર્વાંગી વિકાસ માટે જમીન સંપાદનની કવાયત તેજ

  • October 15, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

બેટ દ્વારકાના સર્વાંગી વિકાસ માટે જમીન સંપાદનની કવાયત તેજ


દ્વારકા દર્શન સર્કિટના મહત્વપૂર્ણ તીર્થધામ બેટ દ્વારકાના સર્વાંગી વિકાસને નવી દિશા આપવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હોલિસ્ટીક ડેવલપમેન્ટ ઓફ બેટ દ્વારકા યોજના અંતર્ગત મંદિર આસપાસના વિસ્તારના વિસ્તૃતીકરણ અને યાત્રિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. યોજના હેઠળ બેટ દ્વારકાના કુલ ૩૧ સર્વે નંબરોમાં આવેલી આશરે ૧-૦૦-૬૧-૨૩ હેક્ટર ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ તરીકે જાણીતા બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન અને યાત્રાધામ વિકાસને લઈને વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના નિર્માણ બાદ અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો છે. આ પરિસ્થિતિમાં યાત્રાધામને વધુ સુવ્યવસ્થિત બનાવવા તેમજ ભવિષ્યમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની બેટ દ્વારકા કોરીડોર વિકાસની તૈયારીઓના પ્રથમ તબક્કાના ભાગરૂપે જગતમંદિરની આસપાસના વિસ્તારને વધુ ખુલ્લો અને સુવિધાસભર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે મંદિરની આસપાસ આવેલી કેટલીક દુકાનો, વાણિજ્યિક ધર્મશાળાઓ અને રહેણાંક મકાનોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જમીન સંપાદન બાદ મંદિર પરિસરની આસપાસના વિસ્તારનું વિસ્તૃતીકરણ કરીને સર્વાંગી વિકાસની કામગીરી આગળ વધારવાનું આયોજન છે.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનર્વસનમાં વાજબી વળતર તથા પારદર્શકતાના અધિકાર અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓ હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં યોજનાના અમલીકરણ માટે જરૂરી જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હવે આગળ વધશે. આ કામગીરી માટે અધિનિયમ હેઠળની સંબંધિત કાર્યવાહી હાથ ધરવા અને જરૂરી ફરજો નિભાવવા દ્વારકાના નાયબ કલેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે.

જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધતાં સંબંધિત જમીનો અને મિલકતો અંગે કાયદાકીય જોગવાઈઓ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા બેટ દ્વારકાના વિકાસ આયોજનમાં મહત્વપૂર્ણ તબક્કો બની શકે છે.

ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલું બેટ દ્વારકા ધાર્મિક મહત્ત્વની સાથે પ્રાકૃતિક સૌંદર્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ જાણીતું છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ મુલાકાતે આવે છે. સુદર્શન સેતુ શરૂ થયા બાદ બેટ દ્વારકા સુધી પહોંચવું વધુ સરળ બન્યું છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન વિકાસની સંભાવનાઓ પણ વધી છે.

આગામી સમયમાં બેટ દ્વારકા કોરીડોર સહિતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને યાત્રિકો માટેની સુવિધાઓમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જગતમંદિર આસપાસના ગીચ વિસ્તારનું વિસ્તૃતીકરણ, વધુ સુવ્યવસ્થિત મંદિર પરિસર અને પ્રવાસનને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની દિશામાં જમીન સંપાદનની આ પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ હવે જમીન સંપાદનને લગતી આગામી કાર્યવાહી હાથ ધરાવાની શક્યતા છે. આ કામગીરી આગળ વધતાં બેટ દ્વારકાના ધાર્મિક અને પ્રવાસન વિકાસને નવી ગતિ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application