જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી
સોનાના દાગીના સહિત ૪,૧૮ લાખનો મુદ્દામાલ કબજે : વિધવા સહાયના નામે વિશ્વાસમાં લઇ દાગીના ઉઠાવનાર રિક્ષાચાલક ઝડપાયો : બે સાગરિતો ફરાર
જામનગર શહેરમાં વૃદ્ધ મહિલાને વિધવા સહાયના નામે વિશ્વાસમાં લઈ તેમના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી સોનાના દાગીના તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા સહિત કુલ રૂ. ૪,૧૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન અને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા અને તેમની ટીમ દ્વારા શહેરમાં બનેલી વણઉકેલાયેલી ચોરીઓ શોધવા માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર શહેરના સુભાષ બ્રિઝ નીચેના વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતી ૭૪ વર્ષીય વૃદ્ધા વિણાબેન દિલીપકુમાર ભારવાડાના ઘરે થયેલી ચોરીની કબૂલાત આપી હતી.
તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ વૃદ્ધાને વિધવા સહાયનું ખાતું બંધ થઈ ગયું છે અને નવું ખાતું ખોલાવી ચેક આપવાનો બહાનો બનાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી વૃદ્ધાની જાણ બહાર તેમના ઘરમાં પ્રવેશી કબાટમાં પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપી પાસેથી અંદાજે ૧૯.૮૭૦ ગ્રામ વજનની સોનાની બે બંગડીઓ (રૂ. ૨,૨૬,૨૦૦), ૫.૨૫૦ ગ્રામ વજનની સોનાની કાનની સર (રૂ. ૪૨,૦૦૦) તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી વેસ્પા રિક્ષા ૧,૫૦,૦૦૦)મળી કુલ રૂ. ૪,૧૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીની ઓળખ જાફર સિદ્દીક જુણેજા (ઉંમર ૨૯ વર્ષ), રહે. ખોજાનાકા અંદર, મદીના મસ્જિદ સામે, ટીટોડી વાડી, તથા હર્ષદમીલની ચાલી ખાતે રહેતા મહમદહુસેન ઉર્ફે મુનો સિદ્દીકભાઈ જુણેજા અને સોઢાવાડી ખાતે રહેતા ફાહીદ અલીભાઈ માકડીયા હાલ ફરાર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી સામે અગાઉ હત્યા, ચોરી, મારામારી, ધમકી સહિતના છ ગુનાઓ નોંધાયેલા છે.