ખંભાળિયાના ધરમપુરમાં ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
૬૧૦૦૦ થી વધુના મુદ્દામાલ સાથે મહિલાઓ સહિત છ ઝડપાયા
ખંભાળિયા વિસ્તારમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના એએસઆઈ મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં જામનગર રેલવે ફાટક પાસે આવેલા એક મંદિરની બાજુમાં કૃષ્ણનગર ૩ (ધરમપુર) ખાતે રહેતા ઇન્દ્રજીતસિંહ સુખદેવસિંહ જેઠવા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી, તેના બદલામાં નાલ ઉઘરાવીને રમાડતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
એલસીબી પોલીસે જુગાર દરોડો પાડતા આ સ્થળેથી ઇન્દ્રજીતસિંહ સુખદેવસિંહ જેઠવા, ભાવેશ રામુભાઈ લમાણી, ગાયત્રીબેન ભાવેશ લમાણી, આશાબેન હિતેશ કાનાણી, જાનવીબેન દિલીપ સચદેવ અને આશાબેન દિલીપ સચદેવ નામના છ પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે રૂ. ૩૧,૮૫૦ ની રોકડ રકમ તથા રૂ. ૩૦,૦૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૬૧,૮૫૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.