દેવભૂમિ દ્વારકા: બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી દરોડો
૧૬૦૦ લિટર આથા સહિત ૪૬ હજારનો મુદ્દામાલ કબ્જે : એક શખ્સની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ બરડા ડુંગરમાં ટપકેશ્વર તળાવ ઉપર બાજુએ એલ.સી.બી. પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ રેઇડ દરમિયાન પોલીસે રૂ. ૪૬,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી પ્રોહિબિશન અંગે હાથ ધરાયેલ પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રાણપર ગામ પાસે બરડા ડુંગરમાં બાવળની જાળીઓમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે.
બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે દરોડો પાડતાં સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ૧૬૦૦ લિટર કાચો આથો (કિંમત રૂ. ૪૦,૦૦૦), બે તાંબાની નળીઓ (કિંમત રૂ. ૧,૦૦૦) અને એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) મળી કુલ રૂ. ૪૬,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી રાણપર ગામના વતની અને માલધારી ધંધો કરતા રાણાભાઇ બાલાભાઇ કોડીયાતર (ઉં.વ. ૩૧) નામના શખ્સની અટકાયત કરી ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ સફળ કામગીરી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. એન.એચ. જોષી, પી.એસ.આઇ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા તેમજ એલ.સી.બી. સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.