BREAKING NEWS

દ્વારકાની નવદુર્ગા ગરબીમાં ૧૫૨ વર્ષથી પરંપરાનો અખંડ વારસો

  • October 14, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની નવદુર્ગા ગરબીમાં ૧૫૨ વર્ષથી પરંપરાનો અખંડ વારસો

ઢોલ-નગારાના નાદ સાથે પ્રાચીન છંદોનું ગાન, ગુગળી બ્રાહ્મણ સમાજે આગવી ઓળખ જાળવી

દેવભૂમિ દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સંચાલિત નવદુર્ગા ગરબીનું વિશિષ્ટ સ્થાન છે. હોળી ચોક ખાતે યોજાતી આ ગરબીમાં સતત ૧૫૨ વર્ષથી પ્રાચીન પરંપરાને જાળવી રાખવામાં આવી રહી છે. આધુનિક યુગમાં ગરબાની બદલાતી શૈલી વચ્ચે અહીં ઢોલ-નગારાના તાલે માતાજીના પ્રાચીન દોહા અને છંદોનું ગાન કરી વર્ષો જૂની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઈ.સ. ૧૮૭૪ માં ૯ ઓક્ટોબર ના રોજ દ્વારકાના હોળી ચોકમાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ નવદુર્ગા માતાજીની નવ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે નવરાત્રિ દરમિયાન આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે સવારે માતાજીની મૂર્તિઓનું ષોડશોપચાર વિધિથી પૂજન કરી સ્થાપના કરવામાં આવે છે. માતાજી સમક્ષ અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે.

આ ગરબીની સૌથી આગવી વિશેષતા એ છે કે અહીં પરંપરાગત રીતે માત્ર પુરુષો જ ગરબીમાં ભાગ લે છે. ગરબીમાં જોડાનારા પુરુષો માટે ધોતિયું અથવા પીતાંબર, પાસાબંડી અને પછેડી પહેરવી અનિવાર્ય છે. અહીં જ્ઞાતિ કે ઊંચ-નીચના ભેદભાવને સ્થાન નથી. એક જ મંડપ નીચે સૌને એકત્રિત કરી સામૂહિક એકતા અને ધાર્મિક ભાવનાને પ્રબળ બનાવવાનો મુખ્ય હેતુ છે.

આધુનિક ગરબાની ઝાકઝમાળ અને ડિસ્કો દાંડિયાની લોકપ્રિયતા વચ્ચે નવદુર્ગા ગરબીમાં પ્રાચીન સંગીતશૈલી અને માતાજીના પરંપરાગત છંદોનું જ મહત્ત્વ જળવાયું છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીના અલગ-અલગ છંદો ગવાય છે. રોશનીથી ઝળહળતા મંડપમાં ઢોલ-નગારાના નાદ સાથે થતી આરાધના ભાવિકો માટે વિશેષ આકર્ષણ બની રહે છે.

ગરબીની પ્રારંભિક આરતી પણ વિશેષ ભવ્યતા ધરાવે છે. જય ઓમ જય ઓમ માઁ જગદંબે આરતીના ગાન સાથે સમગ્ર મંડપ ભક્તિમય બની જાય છે. આરતી પૂર્ણ થયા બાદ વેદમંત્રો દ્વારા માતાજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે. નવરાત્રિની અષ્ટમીના દિવસે ૧૦૮ વ્યક્તિઓ દ્વારા માતાજીની સમૂહ મહાઆરતી ઉતારવામાં આવે છે.

આ ઐતિહાસિક ગરબીની આરતીમાં દ્વારકાના પૂર્વ શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્યજી મહારાજ, પૂજ્ય ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, દયારામ બાપુ, માં કનકેશ્વરીજી, કાનદાસબાપુ, નારાયણસ્વામી સહિત અનેક સંતો અને ધર્મક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહી ચૂક્યા છે.

ગુગળી બ્રાહ્મણ સમાજના વર્તમાન પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, હોળી ચોકમાં યોજાતી આ ગરબીમાં કાષ્ટકલાની ઉત્કૃષ્ટ કારીગરીથી તૈયાર કરવામાં આવેલી માતાજીની મૂર્તિઓનું પરંપરાગત રીતે પૂજન-અર્ચન કરવામાં આવે છે. રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યે સમાજના સભ્યો દ્વારા આરતી કરવામાં આવ્યા બાદ પુરુષો પ્રાચીન ઢબે રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરે છે. આ રીતે દોઢ સદીથી વધુ સમયથી ચાલી આવતી પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહી છે.

ગુગળી બ્રાહ્મણ સમાજના મંત્રી કપિલભાઈ વાયડાએ જણાવ્યું હતું કે નવદુર્ગા ગરબીમાં ઢોલ-નગારાના તાલ સાથે માતાજીના દોહા અને પ્રાચીન છંદો ગાઈને આરાધના કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દ્વારકા ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં ભાવિકો આ અનોખી ગરબી નિહાળવા આવે છે. પ્રાચીન પરંપરા અને ધાર્મિક વાતાવરણનો અનુભવ કરીને ભાવિકો અભિભૂત થાય છે.

નવદુર્ગા ગરબીની પરંપરા જાળવવામાં સ્વર્ગસ્થ દેવજી ઘેલા દવે પરિવારનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. સ્વ. મંગલભાઈ, સ્વ. ચંદુભાઈ અને જગદીશભાઈ સહિત પરિવારના સભ્યોએ નોબતના તાલે આશરે છ દાયકાથી વધુ સમય સુધી સેવા આપી છે. સ્વ. મંગલ દેવજી દવે, જેઓ પેન્ટર તરીકે પણ ઓળખાતા હતા, તેમણે આશરે ૫૦ વર્ષ સુધી પોતાના મધુર કંઠે માતાજીના ગરબા અને છંદો ગાઈને આ પરંપરાને સમૃદ્ધ બનાવી હતી.

હાલમાં તેમના સંતાનો વિનય મંગલ દવે, નંદન દવે અને જયેશ દવે તેમજ સ્વ. મંગલભાઈના પૌત્ર રવિ જયેશ દવે આ સેવાની જવાબદારી આગળ ધપાવી રહ્યા છે. પરિવારની નવી પેઢી પણ આ પરંપરા સાથે જોડાઈ છે. રવિભાઈના દસ વર્ષીય પુત્રએ પણ નોબતના તાલે સેવા આપવાની શરૂઆત કરી છે. વેપારી વર્ગ તરફથી પણ આ પરંપરાગત ગરબીને સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. આમ, દ્વારકાની નવદુર્ગા ગરબી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રાચીન સંગીત, પરંપરાગત વેશભૂષા, કાષ્ટકલા અને પેઢી દર પેઢી વહેતી સેવા-સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application