ખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત એનિમલ કેર સંસ્થાએ શિયાળને સીપીઆર આપીને બચાવ્યું જીવન
પ્રાથમિક સારવાર આપ્યા બાદ શિયાળને સુરક્ષિત રીતે તેના કુદરતી વસવાટ વિસ્તારમાં મુક્ત કરાયું
ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલા એક ખેતરના કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી એક શિયાળ પડી ગયો હોવાની જાણ થતાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા. સંસ્થાના સભ્યોએ દોરી, નેટ અને ઝારીની મદદથી ભારે જહેમત બાદ શિયાળનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. જોકે કૂવામાં લાંબા સમય સુધી ફસાયેલા રહેવાના કારણે શિયાળ બેભાન જેવી સ્થિતિમાં હતું અને કોઈ હલનચલન કરતું ન હતું.
આ સમયે સંસ્થાના સભ્યોએ હિંમત અને સૂઝબૂઝ દાખવી શિયાળને (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવાનો પ્રયાસ કર્યો. સતત પ્રયત્નો બાદ શિયાળમાં ફરી જીવના ચિહ્નો દેખાવા લાગ્યા અને તે ધીમે ધીમે સ્વસ્થ બન્યું હતું. પ્રાથમિક સારવાર આપ્યા બાદ શિયાળને સુરક્ષિત રીતે તેના કુદરતી વસવાટ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા વિસ્તારમાં જંગલી પ્રાણીના રેસ્ક્યુ દરમિયાન સીપીઆર આપી જીવન બચાવવાનો આ કદાચ પ્રથમ નોંધપાત્ર બનાવ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી સંસ્થાના સભ્યોની પ્રશંસા કરવામાં આવી હતી.