જામનગરમાં ગેરકાયદે લાઇમ સ્ટોન ખનનનો પર્દાફાશ: રૂ.1.40 કરોડનો મુદ્દામાલ સીઝ કરતી રાજકોટ રેન્જ ટીમ
જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર લાઇમ સ્ટોનનું ખનન અને વહન કરતા તત્વો સામે રાજકોટ રેન્જ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામે લીઝ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ લાઇમ સ્ટોનનું ખનન કરી વહન કરતા બે ટ્રક અને બે હિટાચી મશીન મળી કુલ રૂ.1 કરોડ 40 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે PSI સી.એમ. કાંટેલિયા અને સ્ટાફે ભોજાબેડી ગામની સીમમાં આવેલા લીઝ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
કાર્યવાહી દરમિયાન લાઇમ સ્ટોન ભરેલા બે ટ્રક તેમજ ખનન માટે ઉપયોગમાં લેવાતા બે હિટાચી મશીન મળી આવ્યા હતા. પોલીસે ટ્રકના ચાલકો પીયુષભાઇ કારાભાઇ રાઠોડ અને રોહીતભાઇ રણછોડભાઇ ધાંગડ તેમજ હિટાચી મશીનના ચાલકો રાજુ બ્રીજબીહારી યાદવ અને મોતીલાલ ગોવીંદરાય યાદવને હસ્તગત કર્યા હતા.
તમામ મુદ્દામાલને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સોંપી જરૂરી રોજકામ કરાવવામાં આવ્યું હતું. બાદમાં રૂ.1.40 કરોડના મુદ્દામાલને સીઝ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.