BREAKING NEWS

’સ્થાનિક ઉત્પાદન–સ્થાનિક બજાર’ ને વેગ આપવાના હેતુથી જામનગર અને ધ્રોલ બસ સ્ટેન્ડ ખાતે વિકસાવવામાં આવશે ગ્રામહાટ

  • August 17, 2026 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

’સ્થાનિક ઉત્પાદન–સ્થાનિક બજાર’ ને વેગ આપવાના હેતુથી જામનગર અને ધ્રોલ બસ સ્ટેન્ડ ખાતે વિકસાવવામાં આવશે ગ્રામહાટ

જામનગર એસટી વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે થયા એમ.ઓ.યુ.

જામનગર તા.૧૭ ઓગસ્ટ, ગ્રામ્ય વિસ્તારના મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત વિવિધ સ્થાનિક ઉત્પાદનોને વધુ સશક્ત બજાર વ્યવસ્થા મળી રહે અને ગ્રામ્ય બહેનોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ થાય તે દિશામાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર એસટી વિભાગીય કચેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વચ્ચે ગ્રામ હાટ માટે બસ સ્ટેશન ખાતે યોગ્ય જગ્યા ફાળવવા અંગે MOU કરવામાં આવ્યા છે. 

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને મુસાફરો તથા શહેરી ગ્રાહકો સુધી પહોંચાડવાનો અને તેમના ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવાનો છે.આ MOU અંતર્ગત જામનગરમાં નિર્માણ પામી રહેલ નવા બસ સ્ટેન્ડ તથા ધ્રોલ બસ સ્ટેશન ખાતે ગ્રામ હાટ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે. બસ સ્ટેશન જેવા સતત લોકોની અવરજવર ધરાવતા સ્થળે ગ્રામ્ય વિસ્તારની બહેનોના ઉત્પાદનોને વેચાણ માટે સ્થાન મળવાથી સ્થાનિક ઉત્પાદકોને નવા બજારો પ્રાપ્ત થશે અને તેમની આવકમાં વધારો થશે.

આ પહેલ થકી મધ્યસ્થી વિના ગુણવત્તાયુક્ત સ્થાનિક ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. અને સ્થાનિક ઉત્પાદકોને નવા બજારની તકો મળશે, ગ્રામ્ય અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને મહિલા સ્વસહાય જૂથોને પોતાના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવાની તક મળશે. સાથે સાથે ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત સ્થાનિક ઉત્પાદનો એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થશે.

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા મહિલા સ્વસહાય જૂથોને આર્થિક રીતે સશક્ત બનાવવા, તેમના ઉત્પાદનોને બજાર સાથે જોડવા તથા “સ્થાનિક ઉત્પાદન – સ્થાનિક બજાર”ની સંકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની કડીરૂપે આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

GSRTC, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સંબંધિત વિભાગોના સંકલિત પ્રયાસોથી ગ્રામહાટની આ વ્યવસ્થા ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવી તકોનું સર્જન કરશે અને “સહયોગથી સંકલ્પ, સંકલ્પથી વિકાસ”ના વિચારને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News