BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ઓખામાં તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની લાલચે ૪૮.૮૫ લાખની ઠગાઇ

  • November 06, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ઓખામાં તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની લાલચે ૪૮.૮૫ લાખની ઠગાઇ

ત્રણ સામે ગુનો : દ્વારકાના ફરિયાદી સહિત અનેક લોકો પાસેથી લાખો રૂપિયા  ખંખેર્યા 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાંત્રિક વિધિથી રૂપિયા બમણા કરી આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી કુલ રૂ ૪૮.૮૫ લાખ મેળવી પરત નહીં આપવાના આક્ષેપ સાથે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે. મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા એક શખ્સે તાંત્રિક વિધિ દ્વારા નાણાં બમણાં કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી છે.

મૂળ આરંભડા સીમ વિસ્તારના અને હાલ ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા તથા ડ્રાઇવિંગ કામ કરતા ભાવસંગભા સાવજભા માણેક (ઉ.વ. ૪૬)એ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૧માં તેઓ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા. તે દરમિયાન આરંભડાના સલીમ જફર સીદી સાથે તેમની ઓળખાણ થઈ હતી. આશરે પાંચેક વર્ષ પહેલાં સલીમભાઈના ભાઈ આરિફ તથા અલી જાફર સીદી સાથે તેમનો પરિચય થયો હતો.

આ બંનેએ મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા અનવર અબુભાઈ ઠેબા નામના શખ્સનો પરિચય કરાવ્યો હતો. અનવર તાંત્રિક વિધિ કરીને રૂપિયા બમણા કરી આપતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વાતમાં વિશ્વાસ આવતાં ફરિયાદીએ નાણાં આપ્યાં હોવાનું જણાવ્યું છે.

આ ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, અનવર અબુભાઈ સાથે મુલાકાત બાદ તાંત્રિક વિધિથી રૂપિયા બમણા કરી આપવાની વાત કરવામાં આવી હતી. શરૂઆતમાં ફરિયાદીએ રૂ. ૨.૫૦ લાખ આપ્યા હતા. ત્યાર બાદ ઓખા ખાતેના એક મકાનમાં તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું જણાવી ચાર દિવસ બાદ રૂપિયા બમણા થઈ જશે તેવો વિશ્વાસ અપાયો હતો.

જોકે, નક્કી કરેલા સમય બાદ રૂપિયા પરત મળ્યા નહોતા. આ અંગે પૂછપરછ કરતાં જુદા-જુદા બહાનાં બતાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ ફરિયાદીને વિશ્વાસમાં રાખીને વધુ નાણાં મેળવવામાં આવ્યાં હોવાનો આક્ષેપ છે. આ પ્રકરણમાં ફરિયાદી ઉપરાંત દીપકભાઈ સોઢા, મનોજભા માણેક, ખેતુભા માણેક સહિતના અન્ય લોકો પાસેથી પણ રૂપિયા મેળવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કેટલાક લોકોએ રોકડ રકમ આપી હતી, જ્યારે કેટલાક નાણાં બેંક ખાતામાં જમા કરાવાયા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

ફરિયાદ મુજબ, આરોપીઓએ તાંત્રિક વિધિથી રૂપિયા બમણા કરી આપવાની લાલચ આપીને જુદા જુદા લોકો પાસેથી કુલ રૂ. ૪૮,૮૫,૦૦૦ મેળવ્યા હતા. જો કે, લાંબા સમય સુધી નાણાં પરત નહીં મળતાં આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ સમગ્ર મામલે ઓખા મરીન પોલીસે મહેસાણાના કડીમાં રહેતા અનવર અબુભાઈ ઠેબા, આરિફ જફર સીદી અને અલી જફર સીદી સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application