રાજકોટ ડિવિઝનમાં RPFની મોટી કાર્યવાહી, સપ્ટેમ્બરમાં 30 મુસાફરોને ₹7.70 લાખનો સામાન પરત કર્યો
‘સેવા હી સંકલ્પ’ અંતર્ગત ચેઈન પુલિંગના કેસોમાં 20 આરોપીઓ ઝડપાયા; 03 લોકોને પરિજનો સાથે મેળવ્યા
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા “સેવા હી સંકલ્પ” હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે મિલકતોના રક્ષણ માટે સપ્ટેમ્બર 2026માં વિવિધ અભિયાનો થકી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન RPF દ્વારા મુસાફરોની સહાયની સાથે-સાથે રેલવે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (સીનિયર ડીસીએમ) સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2026 (01 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી) દરમિયાન રાજકોટ ડિવિઝન RPF દ્વારા કરવામાં આવેલી મુખ્ય કામગીરી નીચે મુજબ છે:
ઑપરેશન અમાનત:
રેલવે સુરક્ષા દળે ઑપરેશન અમાનત અંતર્ગત ફરજ દરમિયાન તત્પરતા અને સહયોગની ભાવના દાખવીને રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ભૂલથી છૂટી ગયેલા 30 મુસાફરોના ₹7,70,211/- ની કિંમતના સામાનને સુરક્ષિત રીતે શોધી કાઢીને સંબંધિત મુસાફરોને સોંપ્યો હતો.
ઑપરેશન નન્હે ફરિશ્તે:
ઑપરેશન નન્હે ફરિશ્તે હેઠળ ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન RPF દ્વારા 02 બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મેળવવામાં આવ્યા હતા.
ઑપરેશન ડિગ્નિટી:
ઑપરેશન ડિગ્નિટી અંતર્ગત કોઈ કારણોસર પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા 01 વ્યક્તિને RPF દ્વારા સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મેળવવામાં આવ્યો હતો.
ઑપરેશન ઉપલબ્ધ: રેલવે ટિકિટોના કાળાબજાર વિરુદ્ધ કાર્યવાહી:
રેલવે ટિકિટોના કાળાબજાર સામે કડક વલણ અપનાવતા RPFએ ઑપરેશન ઉપલબ્ધ હેઠળ રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં રેલવે ટિકિટોની કાળાબજારી કરતા 01 શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઑપરેશન યાત્રી સુરક્ષા: મુસાફરોના સામાનની ચોરીના કેસમાં કાર્યવાહી:
રેલવે સુરક્ષા દળ દ્વારા મુસાફરોના સામાનની ચોરી કરનારાઓ વિરુદ્ધ ઑપરેશન યાત્રી સુરક્ષા ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સતર્કતા અને સત્વર કાર્યવાહી દાખવીને રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં મુસાફરોના સામાનની ચોરીના 01 કેસમાં 01 આરોપીને પકડી પાડીને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP)ને સોંપવામાં આવ્યો હતો. આરોપી સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઑપરેશન સમય પાલન: ચેઈન પુલિંગ વિરુદ્ધ કાર્યવાહી:
ટ્રેનોના સંચાલનને અસર પહોંચાડનારાઓ સામે લાલ આંખ કરતા RPFએ રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં ઑપરેશન સમય પાલન હેઠળ પેસેન્જર ટ્રેનોમાં અનધિકૃત રીતે ચેઈન પુલિંગ કરી રેલ વ્યવહારને ખોરવનારાઓ સામે પગલાં લીધાં હતાં. આ દરમિયાન કુલ 28 કેસ નોંધાયા હતા અને 20 આરોપીઓને પકડીને તેમની સામે રેલવે એક્ટ હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઑપરેશન જનજાગરણ: મુસાફરો અને સામાન્ય જનતામાં જાગૃતિ:
મુસાફરો તેમજ સામાન્ય નાગરિકોને જાગૃત કરવાના હેતુથી ઑપરેશન જનજાગરણ અંતર્ગત રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. RPF પોસ્ટ અને ચોકીઓ પર બેનરો લગાવીને, પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ દ્વારા જાહેરાતો કરીને તેમજ ગામના સરપંચો/આગેવાનો સાથે બેઠકો યોજીને લોકોને રેલવે ટ્રેક ક્રોસ ન કરવા, ચાલુ ટ્રેનો પર પથ્થરમારો ન કરવા, નશાથી દૂર રહેવા, મહિલા સુરક્ષા, માનવ તસ્કરી જેવા વિષયો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “RPF ‘સેવા હી સંકલ્પ’ ભાવના સાથે મુસાફરોની સુરક્ષા-સહાય અને રેલવે મિલકતોના રક્ષણ માટે સતત તત્પરતાથી કાર્ય કરી રહ્યું છે. મુસાફરોને અપીલ છે કે તેઓ રેલવેના નિયમોનું પાલન કરે અને સુરક્ષિત રેલ મુસાફરીમાં સહયોગ આપે.”