જામનગર: ઢીચડા પાસે કાર અથડાવી યુવાન પર હિંચકારો હુમલો
બે વર્ષ જૂના અકસ્માતની અદાવત રાખી છરી, પાઇપ, ધોકાથી શખ્સો તુટી પડયા : ૬ વિરુઘ્ધ નોંધાવાતી ફરીયાદ
જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને યુવાનના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી હોવાની છ શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
ઢીચડા ગામે સરકારી સ્કૂલ પાસે રહેતા હુસેનભાઈ કાસમભાઈ ખફી (ઉ.વ.૪૪)એ ઢીચડા ગામમાં રહેતા અલ્તાફ ઇસ્માઇલ કોટાઈ, આરીફ ઇસ્માઇલ કોટાઈ, ગુલામ ઇબ્રાહીમ કોટાઈ, યુનુસ ઉર્ફે બાબુ ટકો મામદભાઈ કોટાઈ તથા બે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ બેડી મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
આશરે બે વર્ષ પહેલાં ફરિયાદીના ભત્રીજાની થાર કારથી અકસ્માત થયો હતો, જે અકસ્માતમાં અલ્તાફ અને આરીફના સગા ભાઈનું મૃત્યુ થયું હતું. આ બનાવને લઈને બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ જૂની અદાવતનો ખાર રાખી તા. ૪ના રાત્રિના આશરે ૮ વાગ્યે આરોપીઓ એકસંપ થઈ કારમાં રીંગ રોડ પર આવ્યા હતા.
આરોપીએ પોતાની કાર નં. જીજે૩પીડી-૨૭૭૭ ફરિયાદીના મોટરસાઇકલ સાથે અથડાવી તેને નીચે પાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ એક આરોપીએ છરી વડે હાથની આંગળીઓમાં ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય આરોપીઓએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે શરીર તથા બંને પગમાં માર માર્યો હતો.
હુમલામાં ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બંને પગમાં ઘૂંટણથી નીચેના ભાગે ઈજા તેમજ હાથની આંગળીઓમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે. બનાવ અંગે બેડી મરીન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો ઉપરાંત મોટર વાહન અધિનિયમ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application