BREAKING NEWS

જામનગરમાં ૨૧.૮૦ લાખના ડ્રગ્સ જથ્થા સાથે એક શખ્સ પકડાયો

  • July 07, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૨૧.૮૦ લાખના ડ્રગ્સ જથ્થા સાથે એક શખ્સ પકડાયો

એસઓજીનો ટાઉનહોલ નજીક દરોડો : ૧૯ ગ્રામ કોકેઇન અને ૧૨૩ ગ્રામ મેફેડ્રોન પાવડર, બે મોબાઇલ કબ્જે : રાજસ્થાની શખ્સ ડ્રગ્સ આપી ગયાની કેફીયત

જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપારને નાથવા માટે ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને વધુ એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે શહેરમાંથી ૧૯ ગ્રામ કોકેન તથા ૧૨૩ ગ્રામ એમ.ડી.એમ.એ.(મેફેડ્રોન, એમ્ફેટામાઈન, મેથાએમ્ફેટામાઈન) સહિત કુલ ૧૪૨ ગ્રામ નશાકારક પદાર્થ તેમજ મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક વજનકાંટો સહિત કુલ ૨૧,૯૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની સૂચના અનુસાર જિલ્લામાં નશાખોરી અને નશીલા પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ટાઉનહોલ પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકની ગલીમાં નશાકારક પદાર્થના વેચાણ માટે આવવાનો છે.

બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે નરશિરામ કુપારામ લુણા રબારી (હાલ રહે. સજુબા સ્કૂલ પાસે, હનુમાનજી મંદિરવાળી ગલી, જામનગર, મૂળ રહે. અરણાઈ ગામ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન તેની પાસેથી ૧૯ ગ્રામ કોકેન (કિંમત રૂ. ૯.૫૦ લાખ), ૧૨૩ ગ્રામ એમ.ડી.એમ.એ. પાવડર (કિંમત રૂ. ૧૨.૩૦ લાખ) તેમજ બે મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો મળી કુલ રૂ. ૨૧,૯૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે આરોપી સામે જામનગર સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં  એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી), ૨૨(સી) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ડ્રગ્સના ૨૯ પાઉચ કબ્જે કર્યા હતા, પકડાયેલા રાજસ્થાની શખ્સ નરશીરામની પુછપરછમાં આ ડ્રગ્સ રાજસ્થાનના સાંચોર તાલુકાના ગોળીયા ગામના પારસરામ જીવારામ રબારી નામનો શખ્સ તાજેતરમાં આપી ગયો હતો પકડાયેલા શખ્સને રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછમાં શહેરમાં છુટક વેચાણ કરવા અર્થે ડ્રગ્સ લીધુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે મેઘપર પંથકમાં પકડાયેલ ડ્રગ્સનું પગેરૂ પંજાબ તરફ નીકળ્યુ હતુ આ વખતે રાજસ્થાન કનેકશન ખુલવા પામ્યુ છે.
​​​​​​​
જામનગર એસ.ઓ.જી. દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં નશાખોરી અને ડ્રગ્સના કારોબાર સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News