જામનગરમાં વિદેશી દારૂના ૨૩૯ ચપટા સાથે એક શખ્સ પકડાયો
૮૦ હજારનો મુદામાલ: નાઘેડીના સપ્લાયર અને મંગાવનાર મહિલાના નામ ખુલ્યા
જામનગર શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરના દરોડા બાદ અહીંના રાજ ચેમ્બર રોડ પર જયુપીટર બાઇકમાં દારૂના ચપલા ૨૩૯ લઇને નીકળેલા શખ્સને દબોચી લીધો હતો, કુલ ૮૦ હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે, પુછપરછ દરમ્યાન નાઘેડીના સપ્લાયર અને મંગાવનાર જામનગરની મહિલાનું નામ ખુલ્યુ હતું.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા અંગે એલસીબીને સુચના કરેલ હોય જેથી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના ક્રિપાલસિંહ તથા ભયપાલસિંહને મળેલ ખાનગી હકીકત આધારે શહેરના ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાસે રોડ પર ધીરેન ઇન્દ્રજીત ચંદન-સિંધી લોહાણા રહે. સાધના કોલોની પાછળ જડેશ્ર્વર પાર્ક શેરી નં. ૧, મકાન નં. ૧ જામનગરવાળો ટીવીએસ જયુપીટર નં. જીજે૧૦ઇજે-૭૨૩૩માં ભારતીય બનાવટની વિદેશી દારૂના ૨૩૯ ચપલા કિ. ૨૩૯૦૦ તથા એક મોબાઇલ કિ. ૫ હજાર, મોટરસાયકલ કિ. ૫૦ હજાર મળી કુલ ૭૮૯૦૦ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.
દારૂનો જથ્થો સપ્લાયર કરનાર રામ જીવા મોઢવાડીયા રહે. નાઘેડી ગામ જામનગર તથા મંગાવનાર રીટાબેન હીતેન્દ્રસિંહ જાડેજા રહે. રાજ ચેમ્બર પાસે જામનગર વાળાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.