BREAKING NEWS

જામનગર: ધ્રોલ તાલુકામાં પાણીનો પોકાર, અનેક ગામડાં તરસ્યાં

  • October 30, 2026 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલ તાલુકામાં પાણીનો પોકાર, અનેક ગામડાં તરસ્યાં

દુષ્કાળ સહાય અપૂરતી હોવાની ખેડૂતોની ફરિયાદ: સરકારના નર્મદા નીરના દાવા વચ્ચે હજુ પણ ધ્રોલના કેટલાક ગામડાઓમાં પાણી પહોંચ્યા નથી: ખેડુતો સહિત અબોલ પશુઓ પર પાણીનું સંકટ

ગુજરાતના પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઓછા વરસાદને પગલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સહાય જાહેર કરવામાં આવી હોવા છતાં ધ્રોલ શહેર સહિત તાલુકાના અનેક ગામડાંઓમાં પાણીની ગંભીર તંગી યથાવત રહેતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ ખેતી માટે પાણીના અભાવે ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય અપૂરતી હોવાની લાગણી વ્યક્ત કરી ખેડૂતો દ્વારા પૂરતું વળતર અને ખેતી માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માગ ઉઠાવવામાં આવી છે.

ધ્રોલ તાલુકાના લૈયારા, જાયવા, સુધાગુના, વાગુદડ, હરીપર, નાના વાગુદડ, હજામચોરા, નાના ગરેડિયા, મોટા ગરેડિયા, માણેકપર, ભેંસદળ અને હાડાટોડા સહિતના વિસ્તારોમાં સૌની યોજના મારફતે પાણી પહોંચતું ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આજની તારીખે પણ આ વિસ્તારોના અનેક લોકોને યોજનાનું પાણી મળતું નથી. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું હોવાના દાવા વચ્ચે ધ્રોલ તાલુકાનાં અનેક ગામડાંઓ સુધી નર્મદાનું પાણી કેમ પહોંચતું નથી તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.

ધ્રોલ શહેરમાં એકાંતરે પાણી વિતરણ થતું હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અનેક ગામડાંઓમાં ત્રણથી ચાર દિવસે એક વખત પાણી મળતું હોવાથી અઠવાડિયામાં માંડ એકથી બે વખત પાણીથી સંતોષ માનવો પડે છે. પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછત માત્ર માનવજીવન પૂરતી મર્યાદિત નથી, પરંતુ પશુપાલન વ્યવસાય પર પણ તેની સીધી અસર પડી રહી છે. પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારાની અછત સર્જાતાં પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.

છેલ્લા બે મહિનાથી વરસાદ ન પડવાના કારણે ખેતી ક્ષેત્રે પણ પરિસ્થિતિ ગંભીર બની છે. વરસાદની આશાએ વાવેતર કરનારા ખેડૂતોને હવે પાણીના અભાવે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. કેટલાક ખેડૂતોએ પાક નિષ્ફળ જતાં ખેતરોમાં ફરી હળ હંકારી દીધાં છે, જ્યારે કેટલાક ખેડૂતોને પોતાના પાકમાં ઘેટાં-બકરાં ચરાવવા છોડી દેવાની ફરજ પડી છે. અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોવાની ફરિયાદો છે, તો કેટલાક વિસ્તારોમાં આકરા તાપ અને પાણીની અછતના કારણે ઉભો પાક સુકાઈ રહ્યો છે. પરિણામે ખેડૂતોની મહેનત અને ખેતી પાછળ કરેલો ખર્ચ વેડફાયો છે.

દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય અંગે પણ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ધ્રોલ તાલુકાના કેટલાક ખેડૂતો આ સહાયને નુકસાનની સરખામણીમાં અપૂરતી ગણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખેતીમાં બિયારણ, ખાતર, દવા, મજૂરી અને અન્ય ખર્ચાઓ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવી છે. પરંતુ વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


આવી સ્થિતિમાં જાહેર કરાયેલી સહાયથી થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે તેમ નથી તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો દ્વારા સહાયની જોગવાઈ સામે વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા હેકટરદીઠ ૮,૫૦૦ રૂપિયાની સહાય અપાઇ છે તે પણ માત્ર બે હેકટર પૂરતી જ છે તેની સામે ખેડુતોએ વિરોધ નોંધાવતા સવાલો ઉઠાવ્યા છે કે હજારોના ખર્ચ સામે માત્ર ઝીણવટભરી રકમ જ આપવામાં આવે છે તેનાથી ખેડુતોને કંઇ ફાયદો થવાનો નથી.

ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા માત્ર સહાય જાહેર કરીને સંતોષ માનવાને બદલે ગામડાંઓની વાસ્તવિક પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવે. જે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે તેમની નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરી પૂરતું વળતર ચૂકવવામાં આવે. સાથે જ ખેતી માટે આગામી દિવસોમાં નર્મદાનું પાણી મળી રહે તેવી કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી બાકી રહેલા પાકને બચાવી શકાય અને ખેડૂતોને વધુ નુકસાનથી રાહત મળે.

ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીથી લઈને ખેતી અને પશુપાલન સુધી અનેક સમસ્યાઓ એકસાથે ઊભી થઈ છે. એક તરફ પાણીના અભાવે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે, તો બીજી તરફ પશુઓ માટે ઘાસચારો અને પાણી મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. દુષ્કાળની આ સ્થિતિમાં ગ્રામજનો અને ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.

હવે સવાલ એ છે કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે ધ્રોલ તાલુકાનાં પાણીની તંગીથી પીડાતાં ગામડાંઓ સુધી આ પાણી ક્યારે પહોંચશે? શું સરકાર ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સહાયની રકમમાં વધારો કરશે અને પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરશે? હાલ ધ્રોલ તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોની નજર સરકારના આગામી પગલાં પર ટકેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application