BREAKING NEWS

જામનગર: મીઠાપુરની ટાટા કંપનીના પ્રદૂષણથી મરીન સેન્ચ્યુરી કાળા રણમાં ફેરવાઇ

  • May 27, 2026 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મીઠાપુરની ટાટા કંપનીના પ્રદૂષણથી મરીન સેન્ચ્યુરી કાળા રણમાં ફેરવાઇ

પર્યાવરણનો મૃત્યુઘંટ:દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં મંજૂરી વગર અતિ ઝેરી કેમિકલયુક્ત પાણી છોડતા દરિયાઈ જીવસૃષ્ટિનો કચ્ચરઘાણ, કંપનીને હાઇકોર્ટે ઉધડો લીધો

૩ મહીનામાં સર્વે કરી વળતરની વસૂલાત કરી કંપનીના પ્લાન્ટ બંધ કરવા જીપીસીબીને ફટકાર: સ્ટેની માંગણી ફગાવાઇ: આગામી ૧૭ જૂનના વધુ સુનાવણી 

મીઠાપુરની ટાટા કંપનીના પ્રદૂષણથી મરીન સેન્ચ્યુરી કાળા રણમાં ફેરવાઇ હોવાનું  હાઇકોર્ટે આકરૂ વલણ દાખવી ૩ મહીનામાં સર્વે કરી વળતરની વસૂલાત કરવા અને કંપનીના પ્લાન્ટ બંધ કરવા સહીતના પગલાં લેવા જીપીસીબીને આદેશ કરતા ચકચાર જાગી છે. કંપનીની સ્ટેની માંગણી ફગાવી દીધી છે અને વધુ સુનાવણી આગામી ૧૭ જૂનના મુકરર કરી છે. 

ગુજરાત હાઈકોર્ટે જામનગર મરીન સેન્ચ્યુરીમાં ખુલ્લી નહેરો દ્વારા ગેરકાયદેસર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી ઠાલવવા બદલ મીઠાપુરની ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગ અને જામનગરના કલેક્ટર અને ઓથોરિટીના અહેવાલને આધારે કોર્ટે ગંભીર નોંધ લેતા નોંધ્યું હતું કે, કંપનીએ કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી છે. આ મામલે હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કલેક્ટરને ઉદ્યોગ બંધ કરવા સહિતના કડક પગલાં લેવા તેમજ ૩ મહિનામાં પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરી કંપની પાસેથી વળતર વસૂલવામાં આવે અને ત્રણ અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ લિમિટેડ વર્ષ ૧૯૩૯થી સોડા એશ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખુલ્લી નહેરો થકી ઔદ્યોગિક પ્રદૂષિત પાણી અને કેમિકલ વેસ્ટ દરિયાના ઇન્ટર-ટાઈડલ ઝોનમાં છોડવામાં આવતું હતું. ૧૯૮૨માં સરકાર દ્વારા આ દરિયાઈ વિસ્તારને મરીન સેન્ચ્યુરી જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને જામનગરના કલેક્ટર દ્વારા કંપનીના આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડવાના હક્કને નકારી કાઢતા અને તેને ગેરકાયદેસર દબાણ ગણાવતો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જેના વિરૂદ્ધમાં ટાટા કેમિકલ્સે વર્ષ ૨૦૦૬માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કંપનીનો દાવો હતો કે, તેઓ ૧૯૬૨-૬૩થી આ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને ૧૯૮૨ પહેલાથી આ હક્ક ધરાવે છે. વળી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્ધારિત માપદંડો મુજબ જ પાણી છોડવામાં આવતું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફિ દ્વારા સહમત રીતે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જેનો નિકાલ કચ્છના અખાતમાં કરવામાં આવતો હતો. ત્યાં આવેલી પાઈપોને રિપેર કરવા અને નવી નાખવા તેઓને મંજૂરી આપવામાં આવે. ૩.૭૫ કિમીની પાઈપલાઈન ડાયવર્ટ કરવા તેઓએ ૧.૧૨ કરોડ ઓથોરિટી સમક્ષ પણ જમા કરાવ્યા છે. મોટા ભાગનું કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે મે ૨૦૨૬ સુધીમાં કાર્યરત થઈ જશે. વર્ષ ૨૦૧૦થી સ્ટેટ્સ કવો જાળવવામાં આવ્યો હતો.

કેસની વિલંબિત પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર સરકારના ૨૦૧૧ના નવા નિયમો મુજબ સોડા એશ ઉદ્યોગો માટે ખુલ્લામાં પાણી છોડવાના ધોરણો બદલાયા હતાં. આથી ટાટા કેમિકલ્સે ઊંડા દરિયામાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે બંધ પાઈપલાઈન અને ડિફ્યુઝર સિસ્ટમ નાખવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો જેને તમામ સંબંધિત સરકારી વિભાગો તરફથી મંજૂરીઓ મળી ચૂકી છે. આ પાઈપલાઈનનું કામ મે, ૨૦૨૬ના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. વન વિભાગ અને કલેક્ટરના જણાવ્યા મુજબ ૧૯૮૨ના જાહેરનામા બાદ ટાટા કેમિકલ્સે કોઈ કાયદેસર હક્ક દાવો કર્યો ન હતો. કંપનીએ પોતાની માલિકીની જમીનની બહાર સરકારી અને અભ્યારણ્યની આશરે ૧૦૦ હેક્ટર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી છોડીને મોટું દબાણ કર્યું હતું. પ્રદૂષિત પાણીના સતત નિકાલને કારણે આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર વેરાન બની ગયો હતો.

હાઈકોર્ટે આ બાબતે કેમિકલ યુક્ત પાણી મરીન સેન્ચ્યુરીને નુકસાન કરે છે કે કેમ તેનો સ્વતંત્ર અહેવાલ પણ મંગાવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ૧૫ કરતા વધુ વર્ષથી દરિયામાં ગેરકાયદેસર ડિસ્ચાર્જ કરવામાં આવતું હતું. કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખવામાં આવી છે. ટાટા કેમિકલ દબાણકર્તા અને પર્યાવરણને નુકસાનકર્તા છે. તેને પર્યાવરણને નુકસાન કરવા બદલ વળતર ચૂકવવાનું રહેશે. તેને શા માટે સાવચેતીના પગલાં લીધા ન હતાં. કોર્ટે નોંધ્યું હતું કે, કંપની વર્ષો સુધી કોર્ટના વચગાળાના આદેશોની આડમાં આ સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડતી રહી છે. કોર્ટે જીપીસીબીને આદેશ આપ્યો છે કે, તેઓ નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની નાજુક પર્યાવરણ વ્યવસ્થાને થયેલા નુકસાનનું ૩ મહિનામાં આકલન કરાવે. તેનું વળતર કંપની પાસેથી વસૂલવામાં આવે.

જ્યાં સુધી નવી બંધ પાઈપલાઈન સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી આ વિસ્તારના પર્યાવરણને વધુ નુકસાન થતું અટકાવવા માટે ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં તાત્કાલિક લેવા માટે જીપીસીબીને નિર્દેશ આપવામાં આવ્યા છે. આમ મરીન સેન્ચ્યુરીને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. તે માટે કલેક્ટર અને જીપીસીબીને તાત્કાલિક કડક પગલાં ભરે. જેનો રિપોર્ટ ૩ અઠવાડિયામાં હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવે. આ દરમિયાન ટાટા કેમિકલે કોર્ટના હુકમ સામે અપીલમાં જવા સ્ટેની માંગ કરી હતી, જેને નકારી દેવાતા વધુ સુનાવણી ૧૭ જૂનના રોજ રાખવામાં આવી છે.ભૂતકાળમાં કંપનીના આ બેફામ પ્રદૂષણને કારણે મીઠાપુર, ઓખા, આરંભડા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીલાયક જમીનો  નાશ પામી છે, અને ભૂગર્ભ જળ એટલા હદે ઝેરીલા બન્યા છે કે પીવાલાયક પાણી માટે પણ સ્થાનિકોએ વલખાં મારવા પડે છે. પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કથિત મીલીભગત અને આખ આડા કાનની નીતિને કારણે કંપની બેલગામ બનીને ખુલ્લેઆમ પ્રદૂષણ કરી રહી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News