BREAKING NEWS

જામ્યુકો સૂકો કચરો ફાળવવામાં નિષ્ફળ, મટીરીયલ રીકવરી સેન્ટર પાંચેક વર્ષથી બંધ..!

  • October 14, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકો સૂકો કચરો ફાળવવામાં નિષ્ફળ, મટીરીયલ રીકવરી સેન્ટર પાંચેક વર્ષથી બંધ..!

ઘોર બેદરકારી: ત્રણ-ત્રણ વખત ટેન્ડર કરવા છતાં કોઇ એજન્સીએ રસ ન દાખવતા અનેક સવાલ: સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં 

સૂકા કચરાના પ્રોસેસીંગ અર્થેનો પ્લાન્ટ બંધ હોય સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરના અગ્ર ક્રમ અને પ્રદૂષણ નિયંત્રણની કવાયતના ફીયાસ્કાથી દળી દળીને ઢાંકણીમાં

જામનગર મહાનગરપાલીકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરના અગ્ર ક્રમ અને વાતાવરણમાં પ્રદૂષણના નિયંત્રણ માટે શ‚ કરવામાં આવેલું મટીરીયલ રીકવરી સેન્ટર પાંચેક વર્ષથી બંધ હોય ભારે આશ્ર્ચર્યની સાથે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. મનપા સૂકો કચરો ફાળવવામાં નિષ્ફળ જતાં આ સેન્ટર બંધ હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. બીજી બાજુ ત્રણ-ત્રણ વખત ટેન્ડર કરવા છતાં કોઇ એજન્સીએ રસ ન દાખવતા સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. સૂકા કચરાના પ્રોસેસીંગ અર્થેનો પ્લાન્ટ બંધ હોય સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરના અગ્ર ક્રમ અને પ્રદૂષણ નિયંત્રણની કવાયતના ફીયાસ્કાથી દળી દળીને ઢાંકણીમાં કહેવતની જેમ લાખો રૂપિયાના ખર્ચ પર પાણી ઢોળની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ માટે જવાબદાર મનપાના અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ પગલાં લેશે કે પછી છાવરવામાં આવશે તે સવાલ પણ ઉઠ્યો છે. 

જામનગર મહાનગરપાલીકા આયોજન વગરના ખર્ચ કરવામાં પાવરધી હોય દળી દળીને ઢાંકણીમાં કહેવતની જેમ પ્રજાના નાણાંનો વેડફાટ થતાં શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. જેનો વધુ એક ચોંકાવનારો કીસ્સો ઉજાગર થયો છે. કારણ કે, જામનગર શહેરનો સ્વચ્છ સર્વેક્ષણમાં અગ્ર ક્રમ આવે અને વાતાવરણ પ્રદૂષિત થતું અટાકાવવા શહેરમાં વ્હોરાના હજીરા પાસે રંગમતી નદી નજીક સૂકા કચરાના પ્રોસેસીંગ માટે મટીરીયલ રીકવરી સેન્ટર મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મનપાએ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરી આ જગ્યા ખાનગી પાર્ટીને ફાળવી હતી. જેની સામે ખાનગી પાર્ટીએ મશીનરી માટે રૂ.૫૦ લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. આ સેન્ટરને દરરોજનો અંદાજે ૩૦ ટન જેટલો સૂકો કચરો ટેન્ડરની જોગવાઇ અનુસાર મનપાએ ફાળવવાનો હતો. આ સેન્ટર શરૂ થયું ત્યારે શહેરભરમાં અંદાજે રોજનો ૨૫૦ ટનથી વધુ કચરો જનરેટ એટલે કે નીકળતો હતો. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, આ મટીરીયલ રીકવરી સેન્ટરને મહાનગરપાલીકાએ સૂકો કચરો પૂરતા પ્રમાણમાં ન ફાળવતા પાંચેક વર્ષથી બંધ થઇ ગયું છે. 

મટીરીયલ રીકવરી સેન્ટર બંધ થવા છતાં મનપાના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓએ આંખ આડા કાન કરતા ખાનગી પાર્ટી પોતાની મશીનરી લઇને ઉચાળા ભરી ગઇ છે. પાંચ-પાંચ વર્ષના વ્હાણા વીતવા છતાં અને બંધ થયેલા મટીરીયલ રીકવરી સેન્ટરને ચાલુ કરવા ૩-૩ વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઇ એજન્સીએ રસ ન દાખવતા સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે, આ સેન્ટર શા કારણોસર બંધ છે તે અંગે સોલીડ વેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓને પૂછતા હું તે સમયે આ શાખામાં ન હતો, ફાઇલો ફંફોળવી પડે તેમ જણાવતા શહેરનો સ્વચ્છતામાં અગ્ર ક્રમ આવે અને પ્રદૂષણ અટકાવવાના હેતુ માટે શરૂ કરાયેલું મટીરીયલ રીકવરી સેન્ટર પુન: શરૂ થાય તેમાં તસુભાર પણ રસ નથી તે ચિત્ર ઉપસ્યું છે. ચોંકાવનારી  બાબત તો એ છે કે, એક બાજુ શહેરને ગાર્બેજ ફ્રી સીટી બનાવવા શહેરીજનોને ભીનો અને સૂકો કચરો અલગ કરી કચરાના વાહનમાં આપવા મનપા મોટા ઉપાડે અનુરોધ કરી રહી છે. બીજી બાજુ સૂકા કચરાને પ્રોસેસીંગ કરવાનું મટીરીયલ રીકવરી સેન્ટર પાંચેક વર્ષથી બંધ હોય ગાર્બેજ ફ્રી સીટીની કવાયત વચ્ચે દળી દળીને ઢાંકણીમાંની સ્થિતિ પ્રર્વતી રહી છે.

સૂકા કચરામાંથી કાગળ,પ્લાસ્ટીક,કાચ સહીતની વસ્તુ અલગ કરવામાં આવતી હતી:
રંગમતી નદી પાસે ઉભા કરયેલા મટીરીયલ રીકવરી સેન્ટરમાં સૂકા કચરામાંથી પ્લાસ્ટીક,કાગળ, કાચ સહીતની વસ્તુઓ અલગ કરી કચરાને પ્રોસેસીંગ કરવામાં આવતો હતો. પરંતુ આ સેન્ટર ઉભું કર્યા બાદ રોયલ્ટી તથા અન્ય કેટલી આવક થઇ તે સહીતની માહીતીની જાણ ન હોવાનું મનપાના જવાબદાર અધિકારીઓએ જણાવતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. બીજી બાજુ મનપાની આ પ્રકારની ઘોર બેદરકારીથી શહેરમાં સૂકા કચરાની પ્રોેેસેસ કરી નિકાલ માટે મહત્વનું મટીરીયલ રીકવરી સેન્ટર આગામી દીવસોમાં શરૂ થશે કે કેમ તેની સામે પણ ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. 

ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા રૂ.૨૮ લાખનો ખર્ચ પાણીમાં:
જામનગર મહાપાલીકાએ વ્હોરાના હજીરા પાસે સૂકા કચરાના પ્રોસેસીંગ માટે મટીરીયલ રીકવરી સેન્ટર શરૂ કર્યું હતું. જેમાં ખાનગી પાર્ટીને જગ્યા ફાળવવામાં આવી હતી. જો કે,આ સ્થળે સ્ટોર રૂમ, કમ્૫ાઉન્ડ વોલ, ફલોરીંગ, ટોયલેટ યુનીટ  સહીતના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ.૨૮ લાખનો ખર્ચ મનપાએ કર્યો હતો. પરંતુ આ સેન્ટર પાંચેક વર્ષથી બંધ હોય આ સ્થળ ઉજજડ બન્યું હોય ઇન્ફ્રાસ્ટ્રકચર માટે કરાયેલો રૂ.૨૮ લાખનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application